IPL 2023, Mohammed Shami: ગુજરાત ટાઇટન્સ આઇપીએલ 2023માં ક્વૉલિફાય કરનારી પહેલી ટીમ બની ગઇ છે. સોમવારે 15 મેએ રમાયેલી હૈદરાબાદ સામેની મેચ બાદ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી હતી. આ મેચ ગુજરાતે 34 રનથી જીતી લીધી હતી. ખાસ વાત છે કે, આ મેચમાં ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ શાનદાર બૉલિંગ પરફોર્મન્સ આપ્યુ હતુ, તેને 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટો ઝડપી હતી, આ શાનદાર પ્રદર્શન બાદ ફાસ્ટ બૉલરે પોતાના ડાએટ પ્લાન વિશે ખુલીને વાત કરી હતી, તેને કેટલાક સવાલોના જવાબો આપ્યો હતો. મોહમ્મદ શમીએ આ સિઝનમાં 13 મેચમાં 23 વિકેટ ઝડપી છે. આ પછી શમીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી સાથે વાતચીત કરી હતી, જેમાં રવિ શાસ્ત્રીએ પુછયું કે આ સફળતાનું રાજ શું છે ?
મોહમ્મદ શમીના જવાબો હતા ચોંકાવનારા -
મેચ બાદ જ્યારે રવિ શાસ્ત્રીએ મોહમ્મદ શમીના ડાએટ પ્લાન અંગે મજાક કરતા પુછયું કે તમે શું જમો છો, કેમ કે દિવસે ને દિવસે તગડા થઈ રહ્યા છો. શાસ્ત્રીના આવા બાઉન્સરનો શમીએ હસતાં હસતાં એવો જવાબ આપ્યો કે, ગુજરાતમાં તો મારું ભોજન નથી મળવાનું ને ? જોકે બાદમાં કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે એટલા માટે તેને એમ પણ ઉમેરી દીધું કે હું ગુજરાતી ફૂડ એન્જૉય કરી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટને ફૉલો કરનારી દરેક વ્યક્તિ જાણે કે શમીને બિરિયાની કેટલી પસંદ છે. 2019 વર્લ્ડકપમાં શમીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રિક લીધાબાદ રોહિત શર્માએ પણ આ અંગે મજાક કરી હતી તો એક વખત ઈશાંત શર્માએ પણ એક ઈન્ટરવ્યુમાં શમીના બિરિયાની પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો.