DC vs PBKS, Match Highlights, IPL 2023: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 ની 59મી મેચ શનિવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહે શાનદાર સદી ફટકારી હતી. જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 136 રન જ બનાવી શકી હતી. પંજાબે આ મેચ 31 રને જીતી લીધી હતી.
168 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હીની શરૂઆત શાનદાર રહી હતી. પાવરપ્લેમાં દિલ્હીએ એકપણ વિકેટ ગુમાવી ન હતી. આ પછી પંજાબના સ્પિનરોએ તબાહી મચાવી હતી. દિલ્હીની પ્રથમ વિકેટ 7મી ઓવરના બીજા બોલ પર પડી હતી. હરપ્રીત બ્રારે ઓપનર ફિલિપ સોલ્ટને બોલ્ડ કર્યો હતો. સોલ્ટે 17 બોલમાં 21 રન બનાવ્યા હતા. બાદમાં રાહુલે મિશેલ માર્શને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. માર્શે 4 બોલમાં 3 રન બનાવ્યા હતા.
દિલ્હીની ત્રીજી વિકેટ 9મી ઓવરના પ્રથમ બોલ પર પડી હતી. રિલે રુસોએ 5 બોલમાં 5 રન બનાવ્યા હતા. આ ઓવરના છેલ્લા બોલ પર બ્રારે પંજાબને ચોથી સફળતા અપાવી હતી. તેણે ડેવિડ વોર્નરને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. દિલ્હીના કેપ્ટને 27 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
રાહુલ ચહરે અક્ષર પટેલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અક્ષરે 2 બોલમાં 1 રન બનાવ્યો હતો. મનીષ પાંડેને હરપ્રીત બ્રારે બોલ્ડ કર્યો હતો. પાંડે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. અમાન ખાન 16મી ઓવરના ચોથા બોલ પર કેચ આઉટ થયો હતો. તેણે 18 બોલમાં 16 રન બનાવ્યા હતા. પ્રવીણ દુબે 18મી ઓવરના બીજા બોલ પર નાથન એલિસની ઓવરમાં બોલ્ડ થયો હતો. દુબેએ 20 બોલમાં 16 રન બનાવ્યા હતા. મુકેશ 6 રન અને કુલદીપ યાદવે 10 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા.
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બીજી ઓવરના બીજા બોલ પર ઈશાંત શર્માએ પંજાબના કેપ્ટન શિખર ધવનને આઉટ કર્યો હતો. ધવને 5 બોલમાં 7 રન બનાવ્યા હતા. 5મી ઓવરના પહેલા બોલ પર ઈશાંતે હૈદરાબાદને બીજો ઝટકો આપ્યો હતો. ફાસ્ટ બોલરે લિયામ લિવિંગસ્ટોનને બોલ્ડ કર્યો હતો. લિવિંગસ્ટોને 5 બોલમાં 4 રનની ઇનિંગ રમી હતી. બીજી જ ઓવરમાં અક્ષર પટેલે દિલ્હીને ત્રીજી સફળતા અપાવી હતી. તેણે વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્માને બોલ્ડ કર્યો હતો. શર્માએ 5 બોલમાં 5 રન બનાવ્યા હતા.
સેમ કરણે 24 બોલમાં 20 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહ 19મી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો. ઓપનરે 65 બોલમાં 103 રન બનાવ્યા હતા. શાહરૂખ ખાન 2ના સ્કોર પર રનઆઉટ થયો હતો. સિકંદર રઝા 7 બોલમાં 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.