SRH vs LSG, Match Highlights, IPL 2023, Nicholas Pooran: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 ની 58મી મેચ શનિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર પ્રેરક માંકડના અણનમ 64 રનની મદદથી લખનઉની ટીમે 19.2 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 185 રન બનાવ્યા હતા અને 7 વિકેટે મેચ જીતી લીધી હતી. આ સીઝનમાં લખનઉની આ છઠ્ઠી જીત છે. પ્રેરક માંકડે 45 બોલમાં 64 રન ફટકાર્યા હતા. પ્રેરકે પોતાની ઇનિંગમાં સાત ફોર અને બે સિક્સ ફટકારી હતી.
લખનઉની ધીમી શરૂઆત
183 રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનઉની શરૂઆત સરેરાશથી થઈ હતી. એલએસજીની પ્રથમ વિકેટ ચોથી ઓવરના બીજા બોલ પર પડી હતી. ઓપનર કાયલ મેયર્સ 14 બોલમાં માત્ર 2 રન જ બનાવી શક્યો હતો. ગ્લેન ફિલિપ્સે તેને માર્કરામના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી ક્વિન્ટન ડિકોક અને પ્રેરક માંકડ વચ્ચે બીજી વિકેટ માટે 42 રનની ભાગીદારી થઇ હતી. 9મી ઓવરના બીજા બોલ પર લખનઉને વધુ એક ઝટકો લાગ્યો હતો.
સ્ટોઇનિસે 40 રન બનાવ્યા હતા
લખનઉની ત્રીજી વિકેટ 16મી ઓવરના ત્રીજા બોલ પર પડી હતી. માર્કસ સ્ટોઇનિસ 25 બોલમાં 40 રન બનાવીને કેચ આઉટ થયો હતો. અભિષેક શર્માએ હૈદરાબાદને ત્રીજી સફળતા અપાવી હતી. પ્રેરક માંકડ 45 બોલમાં 64 અને નિકોલસ પૂરન 13 બોલમાં 44 રન બનાવીને અણનમ રહ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિલિપ્સ, મયંક માર્કંડે અને અભિષેક શર્માએ 1-1 વિકેટ લીધી હતી.
આ પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી. ત્રીજી ઓવરના પહેલા બોલ પર યુધવીર સિંહ ચરકે અભિષેક શર્માને ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શર્માએ 5 બોલમાં 7 રન બનાવ્યા હતા. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં રાહુલ ત્રિપાઠી પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 13 બોલમાં 20 રન બનાવ્યા હતા. ત્રિપાઠી અને અનમોલ વચ્ચે બીજી વિકેટ માટે 37 રનની ભાગીદારી થઈ હતી. આ પછી અનમોલ પ્રીત સિંહ 27 બોલમાં 36 રન બનાવી આઉટ થયો હતો.
હૈદરાબાદનો કેપ્ટન એડન માર્કરમ 13મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. લખનઉના કેપ્ટન કૃણાલ પંડ્યાએ તેની વિકેટ લીધી હતી. માર્કરામે 20 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી. બીજા જ બોલ પર પંડ્યાએ હૈદરાબાદને 5મો ઝટકો આપ્યો હતો. તેણે ગ્લેન ફિલિપ્સને બોલ્ડ કર્યો હતો. હેનરિક ક્લાસેન અને અબ્દુલ સમદે છઠ્ઠી વિકેટ માટે 58 રનની ભાગીદારી નોંધાવી હતી.