PBKS vs DC Rematch: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025 મુલતવી રાખવામાં આવે તે પહેલાં ધર્મશાળામાં રમાઈ રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ બંધ કરી દેવામાં આવી હતી. આ મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરી રહી હતી અને જ્યારે મેચ રોકવામાં આવી ત્યારે તેમનો સ્કોર 10.1 ઓવરમાં 122 રન હતો. જો પંજાબ આ મેચ જીતી ગયું હોત તો તે પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરનારી પ્રથમ ટીમ બની હોત. હવે જ્યારે BCCI એ નવા શિડ્યૂલની જાહેરાત કરી છે, ત્યારે શ્રેયસ ઐય્યર અને ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
આ વર્ષે શ્રેયસ ઐય્યરની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે 11 મેચ રમી છે, જેમાંથી તેણે 7 જીતી છે અને 3 હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 1 મેચ અનિર્ણિત રહી છે. પંજાબ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. અક્ષર પટેલના કેપ્ટનશીપ હેઠળની દિલ્હી કેપિટલ્સ પણ પ્લેઓફની રેસમાં છે. આ ટીમ પણ મજબૂત દેખાતી હતી પરંતુ ધર્મશાળામાં દિલ્હીના બોલરો પંજાબ સામે હારતા જોવા મળ્યા હતા. હવે આ મેચ અંગે સત્તાવાર અપડેટ આવી ગયું છે, જે પંજાબ માટે કોઈ આંચકાથી ઓછું નથી.
પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ ફરી શરૂ થશે
ચાહકોના મનમાં પ્રશ્નો હતા કે શું પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ત્યાંથી શરૂ થશે જ્યાંથી તેને રોકી દેવામાં આવી હતી કે પછી ફરી શરૂ કરવામાં આવશે. બીસીસીઆઈએ નવા શિડ્યૂલની જાહેરાત કરી છે, જેમાં આ મેચનો પણ સમાવેશ થાય છે. આ મેચ પહેલા બોલથી શરૂ થશે, એટલે કે ફરીથી રમાશે.
પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ ક્યારે અને ક્યાં રમાશે?
પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ 24 મે, શનિવારના રોજ રમાશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે.
ફાઇનલ 3 જૂને રમાશે
IPL 2025 ની બાકીની મેચો 17 મેથી શરૂ થઈ રહી છે, પહેલી મેચ બેંગલુરુ અને કોલકત્તાની હશે જે બેંગલુરુમાં રમાશે. લીગ સ્ટેજની 13 મેચ ૬ સ્થળોએ રમાશે જેમાં 2 ડબલ હેડર હશે. પ્લેઓફ મેચોની તારીખ જાહેર કરવામાં આવી છે પરંતુ સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.