Rajat Patidar 50 vs CSK: IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેમણે ચેપોકના મેદાન પર અડધી સદી ફટકારીને RCBના કેપ્ટન તરીકે ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પાટીદાર CSK સામે આ મેદાન પર અડધી સદી ફટકારનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો માત્ર બીજો કેપ્ટન બન્યો છે.
શુક્રવારે રમાયેલી મેચમાં ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ RCBની ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ત્યારબાદ દેવદત્ત પડિકલ અને વિરાટ કોહલીએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જો કે, વિરાટ કોહલી આઉટ થયા બાદ ટીમ પર થોડું દબાણ આવ્યું હતું, પરંતુ કેપ્ટન રજત પાટીદારે આ સમયે જબરદસ્ત બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી.
રજત પાટીદારે માત્ર ૩૨ બોલમાં ૫૧ રનની ઇનિંગ રમી હતી, જેમાં ૩ સિક્સ અને ૪ ફોરનો સમાવેશ થાય છે. ચેપોકના મેદાન પર કેપ્ટન તરીકે અડધી સદી ફટકારનાર પાટીદાર RCBનો બીજો ખેલાડી છે. આ પહેલા, ૧૩ એપ્રિલ ૨૦૧૩ના રોજ વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે આ મેદાન પર અડધી સદી ફટકારી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ અન્ય RCB કેપ્ટન આ સિદ્ધિ મેળવી શક્યો નહોતો. નોંધનીય છે કે વિરાટ કોહલીએ ૨૦૧૨માં પણ ચેપોકમાં CSK સામે અડધી સદી ફટકારી હતી, પરંતુ તે સમયે RCBનો કેપ્ટન ડેનિયલ વેટોરી હતો.
રજત પાટીદાર IPLમાં RCBનો ૭મો કેપ્ટન છે. તેમના પહેલા રાહુલ દ્રવિડ, કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટોરી, વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ આ ટીમની કમાન સંભાળી ચૂક્યા છે.
રજત પાટીદારની કેપ્ટનશીપમાં RCBએ IPL 2025માં શાનદાર શરૂઆત કરી છે. ટીમે પોતાની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યા બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના જ ઘરમાં હરાવીને ૧૭ વર્ષ પછી ચેપોકમાં જીત મેળવી છે. RCBએ આ મેચ ૫૦ રને જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. પાટીદારની આ યાદગાર ઇનિંગ RCBની જીતમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.
નોંધનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આજે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના જ ઘરઆંગણે હરાવીને એક અવિશ્વસનીય જીત મેળવી છે. ચેપોકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2025ની આ મેચમાં RCBએ CSKને ૫૦ રનથી પરાજય આપ્યો હતો. આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે RCBએ ૧૭ વર્ષ પછી ચેન્નાઈના આ ગઢમાં વિજય મેળવ્યો છે.