મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલીએ CSK ખેલાડીનો લઈ લીધો ઉધડો, બોલાચાલીનો વીડિયો થયો વાયરલ
RCB અને CSK મેચ બાદ વિરાટ કોહલી ખલીલ અહેમદ પર ગુસ્સે થતો જોવા મળ્યો, મેચ દરમિયાન પણ થઈ હતી તકરાર.

Virat Kohli Khaleel Ahmed viral video: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી CSKના એક ખેલાડી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે.
IPL 2025માં સતત બીજી જીત નોંધાવનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 28 માર્ચે CSK સામે 50 રનથી જીતી હતી. જો કે, આ મેચમાં વિરાટ કોહલી રન બનાવવા માટે થોડો સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી ફેલાઈ રહ્યો છે, જે આ મેચ પછીનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં વિરાટ કોહલી CSKના ખેલાડી પર ગુસ્સામાં કંઈક કહેતો દેખાઈ રહ્યો છે.
ટ્રેન્ડિંગ




વાયરલ થયેલા વીડિયોમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ફાસ્ટ બોલર ખલીલ અહેમદ વિરાટ કોહલી સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિરાટ કોહલી મેચ પૂરી થયા બાદ રવિન્દ્ર જાડેજા સાથે ઊભો છે અને હસી-મજાક કરી રહ્યો છે. તેવામાં ખલીલ અહેમદ તેની પાસે આવે છે. પરંતુ ખલીલને જોતાં જ વિરાટ કોહલી ગુસ્સામાં કંઈક બોલતો જોવા મળે છે, જ્યારે ખલીલ અહેમદ શાંતિથી તેની વાત સાંભળી રહ્યો છે. નોંધનીય છે કે મેચ દરમિયાન પણ આ બંને ખેલાડીઓ વચ્ચે થોડી ગરમાગરમી જોવા મળી હતી.
હકીકતમાં, મેચ દરમિયાન વિરાટ કોહલી ખલીલ અહેમદની બોલિંગ સામે થોડો મુશ્કેલીમાં દેખાયો હતો અને પહેલા જ બોલ પર આઉટ થતાં માંડ બચ્યો હતો. તે જ ઓવરના ત્રીજા બોલ પર ખલીલે બાઉન્સર ફેંક્યો હતો, જેને કોહલીએ પુલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટ સાથે અથડાયો નહોતો. આ પછી, ખલીલ બોલિંગ પૂરી કરીને કોહલીની ખૂબ જ નજીક આવી ગયો હતો અને લાંબા સમય સુધી તેની સામે જોઈ રહ્યો હતો. જેના જવાબમાં વિરાટે પણ ખલીલ સામે ગુસ્સાથી જોયું હતું. ચાહકો માની રહ્યા છે કે વિરાટ મેચ પછી આ ઘટના વિશે ખલીલને જણાવી રહ્યો હતો.
વિરાટ કોહલી માટે આ મેચ ખાસ રહી નહોતી. તેણે 30 બોલમાં માત્ર 31 રન બનાવ્યા હતા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જો કે, સિઝનની પ્રથમ મેચમાં તેણે KKR સામે અણનમ અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.