IPL 2024 Auction:  IPLની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી દુબઈમાં થઈ રહી છે. હરાજી માટે 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. તમામ ટીમો પાસે માત્ર 77 સ્થાન બાકી છે. આવી સ્થિતિમાં, મહત્તમ ખેલાડીઓ વેચાયા વિના રહેશે. આ યાદીમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓના નામ જોડાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથને કોઈએ ખરીદ્યો નથી. જયારે ભારત તરફથી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનારા કરૂણ નાયરને પણ કોઈ ખરીદનાર નથી મળ્યો.


સ્મિથે IPLમાં પૂણે સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ કરી છે. સ્મિથની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. તે દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોચી ટસ્કર્સ કેરળ અને પુણે વોરિયર્સ ઈન્ડિયાની ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે. સ્મિથે 103 IPL મેચોમાં 34.51ની એવરેજથી 2485 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 128.09 રહ્યો છે.


ભારત તરફથી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનારા કરુણ નાયરને પણ ન મળ્યો ખરીદદાર


ભારતીય બેટ્સમેન કરુણ નાયર પણ વેચાઈ શક્યો નહોતો. નાયરની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તેણે IPLમાં 76 મેચ રમી છે. તેણે 23.75ની એવરેજથી 1496 રન બનાવ્યા છે. નાયર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમનો ભાગ રહી ચૂક્યો છે. કરૂણ નાયરે ટેસ્ટમાં ભારત તરફથી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી છે. આ ઉપરાંત 2 વન ડેમાં 46 રન બનાવ્યા છે.




મનીષ પાંડે પાસે 170 IPL મેચોનો અનુભવ છે


ભારતના અનુભવી બેટ્સમેન મનીષ પાંડેને કોઈએ પોતાની ટીમમાં સામેલ કર્યો નથી. મનીષની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. આઈપીએલની 170 મેચોમાં તેણે 29.07ની એવરેજથી 3808 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 120.97 છે. પાંડે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પુણે વોરિયર્સ ઈન્ડિયા, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમોનો ભાગ રહી ચૂક્યો છે.


આ ક્રિકેટર્સ પણ રહ્યા અન સોલ્ડ


દક્ષિણ આફ્રિકાના રિલે રૂસોને પણ કોઈએ ખરીદ્યો નથી. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. રૂસો આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. રૂસોએ 14 મેચ રમી છે. આ દરમિયાન 21.83ની એવરેજથી 262 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 136.46 હતો.ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન ફિલિપ સોલ્ટ, ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિશ, શ્રીલંકાના વિકેટકીપર કુસલ મેન્ડિસ અને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને કોઈએ ખરીદ્યું ન હતું. આ ઉપરાંત આદિલ રાશિદ, જોશ હેઝલવુડ, કુસલ મેંડિસ પણ અનસોલ્ડ રહ્યા હતા.