RCB vs LSG IPL 2024: લખનઉ સુપર જાયન્ટ્સે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમને 28 રનથી હરાવ્યું. આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે ખોટો સાબિત થયો હતો. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમે RCBને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં RCBની ટીમ 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. RCB IPL 2024માં ઓલઆઉટ થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. જેણે એક ઇનિંગમાં પોતાની તમામ 10 વિકેટ ગુમાવી દીધી છે.


આરસીબીના બેટ્સમેન રહ્યાં ફ્લૉપ 
વિરાટ કોહલી અને ફાફ ડૂ પ્લેસિસે આરસીબી માટે સારી શરૂઆત કરી હતી, પરંતુ બંને ખેલાડીઓમાંથી કોઈ પણ ખેલાડી મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. બંને ખેલાડીઓ વચ્ચે પ્રથમ વિકેટ માટે 40 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ એમ સિદ્ધાર્થે કોહલીને આઉટ કર્યો હતો. કોહલીએ 22 રન બનાવ્યા હતા. આ પછી ડુ પ્લેસિસ પણ 19 રન બનાવી શક્યો હતો. ગ્લેન મેક્સવેલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. કેમરૂન ગ્રીને 9 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી અનુજ રાવતે 11 રન બનાવ્યા હતા. રજત પાટીદારે થોડો સમય વિકેટ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. તેણે 29 રન બનાવ્યા હતા. મહિપાલ લોમરોરે પણ 13 બોલમાં 33 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.


મયંક યાદવે કર્યો કમાલ 
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી મયંક યાદવે અદ્દભૂત બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. તે ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો છે. નવીન ઉલ હકે બે વિકેટ પોતાના નામે કરી છે. માર્કસ સ્ટોઇનિસ, યશ ઠાકુર અને એમ સિદ્ધાર્થે એક-એક વિકેટ લીધી હતી.


પૂરન-ડીકૉકે રમી શાનદાર ઇનિંગ 
આરસીબી સામેની મેચમાં કેએલ રાહુલ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને 20 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ દેવદત્ત પડિકલ પણ 6 રન બનાવી શક્યો હતો. આ પછી ક્વિન્ટન ડી કોક અને નિકોલસ પૂરને શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ બંને ખેલાડીઓએ પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. ડી કોકે 81 રન અને પૂરને 40 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 24 રનનું યોગદાન આપ્યું હતું. પુરન અને ડી કોકની જોરદાર બેટિંગના કારણે જ લખનૌની ટીમ મોટો સ્કોર કરી શકી હતી.