IPL Impact Player Rule: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની છેલ્લી સીઝન એટલે કે આઈપીએલ 2023માં 'ઈમ્પેક્ટ પ્લેયર રૂલ' લાવવામાં આવ્યો હતો, પરંતુ હવે આ નિયમ પર સવાલો ઉઠી રહ્યા છે. હવે આ નિયમ અંગે વિવિધ પ્રકારના મંતવ્યો બહાર આવી રહ્યા છે. ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓને આ નિયમ પસંદ નથી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ આ નિયમ પર સવાલ ઉઠાવ્યા હતા.


... તો આ 'વિવાદાસ્પદ' નિયમનો અંત આવશે


હવે આ નિયમ આગામી સીઝન એટલે કે IPL 2024થી ખતમ થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. શાહે કહ્યું છે કે IPLમાં 'ઈમ્પેક્ટ પ્લેયર રૂલ' એક પ્રયોગ તરીકે લાગુ કરવામાં આવ્યો હતો અને જો તમામ હિતધારકો ઈચ્છે તો તેના પર ફરીથી વિચાર કરવામાં આવી શકે છે.


'ઈમ્પેક્ટ પ્લેયર રૂલ'ના કારણે આ વખતે આઈપીએલમાં આઠ વખત સ્કોર 250થી વધુ બન્યો હતો. ખેલાડીઓ, કોચ અને નિષ્ણાતોએ પણ કહ્યું છે કે આ નિયમની બોલરો પર પ્રતિકૂળ અસર પડી રહી છે કારણ કે તેનાથી ટીમોને વધારાના બેટ્સમેન મળી રહ્યા છે. રોહિત શર્માએ કહ્યું હતું કે આ નિયમને કારણે ઓલરાઉન્ડરોને બોલિંગ કરવાની તક મળી રહી નથી


BCCI ઓફિસમાં મીડિયા સાથે વાત કરતા જય શાહે કહ્યું, 'ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ પ્રયોગ તરીકે લાગુ કરવામાં આવ્યો હતો. જો કે, આનાથી બે ભારતીય ખેલાડીઓને રમવાની વધારાની તક મળી રહી છે. શું આ અગત્યનું નથી? રમત પણ વધુ સ્પર્ધાત્મક બની રહી છે. શાહે કહ્યું કે T20 વર્લ્ડ કપ પછી તમામ પક્ષો સાથે મળીને આ અંગે ચર્ચા કરશે.


તેમણે કહ્યું હતું કે 'જો ખેલાડીઓને લાગે છે કે આ યોગ્ય નથી તો અમે તેના વિશે વાત કરીશું. હજુ સુધી કોઈએ આવું કંઈ કહ્યું નથી. આઈપીએલ અને વર્લ્ડ કપ બાદ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. વર્લ્ડ કપ પછી અમે ખેલાડીઓ, ટીમો અને બ્રોડકાસ્ટર્સને મળીને ભવિષ્ય વિશે નિર્ણય લઈશું. આ કાયમી નિયમ નથી અને હું એમ પણ નથી કહેતો કે અમે તેને ખત્મ કરીશું.


ભારતીય ખેલાડીઓને આરામની જરૂર નથીઃ શાહ


જય શાહે એમ પણ કહ્યું કે T20 વર્લ્ડ કપ રમવા જઈ રહેલા ભારતીય ખેલાડીઓને આરામની જરૂર નથી કારણ કે પ્રતિસ્પર્ધા જ શ્રેષ્ઠ તૈયારી હોય છે. તેમણે કહ્યું હતું કે 'આરામની શું જરૂર છે? તે પ્રેક્ટિસ સેશન જેવું જ છે. આનાથી સારી તૈયારી કઈ હોઈ શકે? તમારી સામે એક શાનદાર ટીમ છે જેમાં એક બોલર ન્યૂઝીલેન્ડનો છે, એક ઓસ્ટ્રેલિયાનો છે અને એક શ્રીલંકાનો છે. જો આપણે બોલરને આરામ આપીએ તો તેને ટ્રેવિસ હેડને બોલિંગ કરવાની તક નહીં મળે. જ્યારે જસપ્રીત બુમરાહ તેને બોલિંગ કરશે ત્યારે જ તે સમજી શકશે કે કેવી રીતે બોલિંગ કરવી.


જય શાહે કહ્યું કે બોર્ડનું ધ્યાન મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે મેચોની સંખ્યા વધારવા પર પણ છે. તેમણે કહ્યું, 'મહિલા ક્રિકેટનું પણ પુરૂષોના ક્રિકેટની જેમ ધ્યાન રાખવામાં આવે છે. વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં યોજાવાનો છે અને અમે દ્વિપક્ષીય શ્રેણી પણ રમી રહ્યા છીએ. કોહલી T20માં 400 કે તેથી વધુ સિક્સર મારનાર 20મો બેટ્સમેન છે.


ઇમ્પેક્ટ પ્લેયર રૂલ શું છે ?


નોંધનીય છે કે IPL 2023માં 'ઈમ્પેક્ટ પ્લેયર રૂલ' લાવવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા આ નિયમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022-23 (SMAT 2022-23)માં લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમ હેઠળ કોઈપણ ટીમ પરિસ્થિતિ અનુસાર તેની ટીમમાં પ્રભાવશાળી ખેલાડીનો સમાવેશ કરે છે.


IPLમાં 'ઈમ્પેક્ટ પ્લેયર રૂલ' મુજબ પ્લેઈંગ ઈલેવન સિવાય બંને ટીમોએ 5-5 અવેજી ખેલાડીઓના નામ રાખવાના હોય છે. આ પાંચમાંથી એકને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે છે. ઈમ્પેક્ટ પ્લેયર બેટિંગ અને બોલિંગ બંને કરે છે. ઈમ્પેક્ટ પ્લેયર રમતમાં આવે પછી જે ખેલાડી બહાર જાય છે તેનો ઉપયોગ સમગ્ર મેચમાં કરવામાં આવતો નથી