IPL Playoff Scenario: ગુજરાતે શુક્રવારે ચેન્નઈ સામે જીત મેળવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. IPL 2024 ની 59મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાતે ચેન્નઈને 35 રને હરાવ્યું હતું. ચિંતાની વાત એ છે કે CSKની આ હારથી તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. ચેન્નઇની હાર સાથે અન્ય ચાર ટીમને ફાયદો થશે. ચેન્નઈની આ સીઝનમાં વધુ બે મેચ બાકી છે. જો ગાયકવાડની ટીમ એક પણ મેચ હારી જશે તો તેના પ્લેઓફમાંથી બહાર થવાનું જોખમ રહેશે.






આ ટીમોને લાભ થયો


હાર છતાં ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત છે. ટીમના ખાતામાં 12 પોઈન્ટ છે અને તેમનો નેટ રન રેટ +0.491 છે. CSKની હાર સાથે દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સને ફાયદો થયો છે. ચારેય ટીમો હજુ પણ પ્લેઓફની રેસમાં છે. આ સાથે જ કોલકાતા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આજે તેઓ મુંબઈ સામે ટકરાશે. જો KKR આ મેચમાં મુંબઈને હરાવશે તો તે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. રાજસ્થાન અને હૈદરાબાદ બીજા અને ત્રીજા સ્થાને છે.


RCB-ગુજરાત પાસે પ્લેઓફમાં પહોંચવાની તક


ગુજરાત સામેની હાર બાદ જો CSK તેની આગામી બે મેચ જીતે છે તો તેના 16 પોઈન્ટ થઈ જશે. દિલ્હી અને લખનઉ પાસે પણ સમાન પોઈન્ટ્સ સુધી પહોંચવાની તક છે. લીગ સ્ટેજની મેચમાં બંને ટીમો સામસામે આવશે. આવી સ્થિતિમાં માત્ર એક જ ટીમ 16 પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહેશે તે નિશ્ચિત છે. જો આગામી મેચોમાં ચેન્નઈ, દિલ્હી અને લખનઉ ખરાબ રમશે તો RCB અને ગુજરાત પાસે પ્લેઓફમાં પહોંચવાની તક રહેશે.


ગુજરાતે આગામી બે મેચમાં જીત મેળવવી પડશે


આ સ્થિતિમાં નેટ રન રેટના આધારે ટીમોને પ્લેઓફમાં પહોંચવાની તક મળશે. ટોપ 4ને બાદ કરતાં ગુજરાત રન રેટ મામલે ખૂબ જ મજબૂત લાગે છે. ટીમ 10 પોઈન્ટ અને -1.063ના નેટ રનરેટ સાથે આઠમા સ્થાને છે. કોલકાતા અને હૈદરાબાદ સામેની મેચમાં તેમને તેમાં સુધારો કરવાની તક મળશે.