Karun Nair Bumrah fight: IPL 2025ની સીઝનમાં દિલ્હી કેપિટલ્સની મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં એક રસપ્રદ ઘટના બની હતી. દિલ્હીના બેટ્સમેન કરુણ નાયરની મુંબઈના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ સાથે મેદાન પર ટક્કર થઈ હતી, ત્યારબાદ મેચ પૂરી થયા બાદ કરુણ નાયરે એક વિસ્ફોટક નિવેદન આપ્યું હતું.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 206 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે કરુણ નાયર શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. તેણે માત્ર 40 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. ઇનિંગની છઠ્ઠી ઓવરમાં જ્યારે નાયર રન લેવા દોડી રહ્યો હતો ત્યારે તે જસપ્રિત બુમરાહ સાથે અથડાયો હતો. નાયરે તરત જ બુમરાહની માફી પણ માંગી હતી, પરંતુ ટાઈમઆઉટ દરમિયાન બુમરાહ તેને કંઈક કહેતો જોવા મળ્યો હતો. જેના કારણે નાયરે બાદમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને આ બાબતે સ્પષ્ટતા આપવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
મેચ હાર્યા બાદ કરુણ નાયરે પ્રેસ કોન્ફરન્સમાં જસપ્રિત બુમરાહ વિશે વાત કરતા કહ્યું હતું કે, "હું મારા ફ્લોમાં રમી રહ્યો હતો અને તેને જાળવી રાખવા માંગતો હતો. તેથી, હું યોગ્ય બોલ પસંદ કરીને તેને યોગ્ય દિશામાં રમવા પર ધ્યાન આપી રહ્યો હતો. તે (બુમરાહ) નિઃશંકપણે અત્યારે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે અને હું જાણવા માંગતો હતો કે તે ક્યાં બોલિંગ કરશે. જો કે, મેં મારી જાત પર વિશ્વાસ રાખ્યો અને જ્યાં હું રન બનાવવા માંગતો હતો ત્યાં શોટ ફટકાર્યા."
ઉલ્લેખનીય છે કે કરુણ નાયર વર્ષ 2022 પછી પ્રથમ વખત IPL રમી રહ્યો હતો અને તેણે આ મેચમાં સાત વર્ષ બાદ પોતાની પ્રથમ અર્ધશતક પણ ફટકારી હતી. જો કે, તેની 89 રનની આ ઇનિંગ દિલ્હીને જીત અપાવી શકી નહીં, કારણ કે અન્ય કોઈ બેટ્સમેન પિચ પર ટકી શક્યો નહોતો. દિલ્હીની ટીમ 19 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને મુંબઈએ 12 રને આ મેચ જીતી લીધી હતી.