KKR vs RCB IPL 2025: IPL 2025ની શરૂઆત ધમાકેદાર રહી અને પ્રથમ મેચમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીએ માત્ર અડધી સદી જ ન ફટકારી પરંતુ એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો, જેના માટે BCCIએ તેમને ખાસ સન્માન આપ્યું.


175 રનના લક્ષ્યનો પીછો કરતા વિરાટ કોહલીએ ઓપનિંગમાં ફિલ સોલ્ટ સાથે મળીને 8.3 ઓવરમાં 95 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. કોહલીએ 30 બોલમાં ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી અને અંત સુધી અણનમ રહીને 36 બોલમાં 59 રન બનાવ્યા હતા. તેમની આ ઇનિંગની મદદથી RCBએ KKRને 7 વિકેટે પરાજય આપ્યો હતો.


આ મેચમાં વિરાટ કોહલીએ એક ખાસ સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આ તેમની 400મી T20 મેચ હતી અને તે આ ક્લબમાં સામેલ થનારા ત્રીજા ભારતીય ખેલાડી બન્યા છે. તેમનાથી વધુ T20 મેચો ભારતના રોહિત શર્મા (448) અને દિનેશ કાર્તિક (412)એ રમી છે.






મેચની શરૂઆત પહેલા BCCI દ્વારા વિરાટ કોહલીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. BCCIના પ્રમુખ રોજર બિન્નીએ તેમને એક સ્મૃતિ ચિહ્ન (મેમેન્ટો) ભેટમાં આપ્યું હતું. આ સ્મૃતિચિહ્ન પર IPL 18 લખેલું હતું. નોંધનીય છે કે આ IPLની 18મી આવૃત્તિ છે અને વિરાટ કોહલીની જર્સી નંબર પણ 18 છે. આ ઉપરાંત, કોહલીએ IPLમાં 18 વર્ષ પણ પૂરા કર્યા છે અને તે પ્રથમ સિઝનથી જ RCB ટીમનો અભિન્ન ભાગ છે. વિરાટ કોહલીની આ સિદ્ધિ અને ટીમના વિજયથી RCBના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


નોંધનીય છે કે, RCBએ IPL 2025ની શરૂઆત કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવીને મોટી જીત સાથે કરી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં KKRએ પ્રથમ રમતા 174 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બેંગલુરુની ટીમે 7 વિકેટ બાકી રહીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં RCBની જીતના હીરો વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ રહ્યા હતા. જ્યારે બોલિંગમાં કૃણાલ પંડ્યાએ બેંગલુરુ માટે મેચ ઊંધી પાડી દીધી હતી.