કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા IPL 2022માં અલગ-અલગ ટીમો માટે રમી રહ્યા છે. હાર્દિક જ્યારે ગુજરાત ટાઇટન્સ (GT)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે, ત્યારે કૃણાલ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે રમી રહ્યો છે. આ સિઝન પહેલા, પંડ્યા બ્રધર્સ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમમાં સાથે રમતા હતા. હવે કૃણાલ પંડ્યાએ પોતાના નાના ભાઈ હાર્દિકને લઈને નિવેદન આપ્યું છે. જ્યારે કૃણાલને પૂછવામાં આવ્યું કે તે તેના ભાઈ હાર્દિકને મિસ કરી રહ્યો છે તો તેણે પોતાનો જવાબ આપ્યો હતો. 


કૃણાલ પંડ્યાએ ગઈકાલે સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ જીત્યા બાદ કહ્યું કે, 'જ્યારે તમે જીતો છો અને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપો છો ત્યારે ખૂબ જ સારું લાગે છે. હું નવી ફ્રેન્ચાઈઝીને પ્રેમ કરું છું. મેં મુંબઈ ઈન્ડિયન્સ સાથે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કર્યું. મુંબઈ સાથેની કેટલીક સારી યાદો હતી. મને એવું જ લાગે છે કે આ મારી આઈપીએલની પ્રથમ સિઝન છે. આવો જ ઉત્સાહ દરેક મેચ પહેલા અથવા દરેક પ્રેક્ટિસ સેશનમાં રહેતો હોય છે.


કૃણાલે વધુમાં કહ્યું કે, 'હાર્દિક પંડ્યાની ગેરહાજરી બિલકુલ અનુભવાતી નથી. અમે જે બ્રાંડ માટે ક્રિકેટ રમી રહ્યા છીએ તે જોઈને આનંદ થાય છે અને અમારો આત્મવિશ્વાસ સારો હોય છે. અમે એક ટીમ તરીકે કેવી રીતે વધુ સારું પ્રદર્શન થઈ શકે તેના પર હંમેશા ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. જો આપણે એ રસ્તા પર ચાલીશું તો ભવિષ્યમાં પણ સારા પરિણામો મળશે. મેં બાઉન્સ અને ટર્ન મેળવવા માટે મારા એક્શન પર પ્રેક્ટિસ કરી છે અને તેને ચાલુ રાખવા માંગુ છું.


કૃણાલ પંડ્યાએ ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર બોલિંગ કરીને બે વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાને લખનૌ સુપર જાયન્ટ્સે 8.25 કરોડમાં ખરીદ્યો હતો. ગુજરાત ટાઇટન્સે પણ રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે કૃણાલને ખરીદવા માટે બોલી લગાવી હતી. બીજી તરફ IPL 2022ની હરાજી પહેલા હાર્દિક પંડ્યાને ગુજરાતે 15 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો.