લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક મેચમાં પાંચ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ આઇપીએલની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. આ જીત સાથે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ મેચમાં લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 177 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ માત્ર 172 રન જ બનાવી શકી હતી અને પાંચ રનથી મેચ હારી ગઈ હતી. લખનઉ તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ અણનમ 89 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન કૃણાલ પંડ્યાએ 49 રનની ઇનિંગ રમી હતી. મુંબઈ તરફથી જેસન બેહરનડોર્ફે બે વિકેટ ઝડપી હતી.






મુંબઇ તરફથી ઈશાન કિશને 59 અને રોહિત શર્માએ 37 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે અણનમ 32 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી યશ ઠાકુર અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી. આ જીત બાદ કૃણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં લખનઉની ટીમ 15 પોઈન્ટ સાથે પ્લેઓફની રેસમાં આગળ નીકળી ગઇ છે.  લખનઉ તેની છેલ્લી મેચ 20 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમવાની છે. લખનઉની ટીમ આ મેચ જીતતાની સાથે જ પ્લેઓફમાં પહોંચી જશે.


મુંબઇની આક્રમક શરૂઆત 


178 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને સારી શરૂઆત અપાવી હતી.  બંનેએ સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં કોઈપણ નુકસાન વિના ટીમનો સ્કોર 58 રન સુધી પહોંચાડ્યો હતો.


આ મેચમાં મુંબઈને પહેલો ફટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં ઇનિંગ્સની 10મી ઓવરમાં 90 રનના સ્કોર પર લાગ્યો હતો. આ મેચમાં લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈએ રોહિત શર્માને પોતાનો શિકાર બનાવ્યો હતો. રોહિત 25 બોલમાં 37 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.


રોહિત શર્માના પેવેલિયન પરત ફરતા લખનઉની ટીમને પણ આ મેચમાં વાપસી કરવાનો મોકો મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ 103ના સ્કોર પર ઈશાન કિશનના રૂપમાં પડી જે 59 રન બનાવીને રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો.


115ના સ્કોર પર મુંબઈને ત્રીજો ફટકો સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો હતો જે 7 રન બનાવીને યશ ઠાકુરની ઓવરમાં બોલ્ડ થયો હતો.


મુંબઈને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 30 રનની જરૂર હતી


મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં 18 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. આ પછી 19મી ઓવરમાં ટીમે 2 છગ્ગા અને ચોગ્ગાની મદદથી કુલ 19 રન બનાવીને મેચમાં વાપસી કરી હતી. ઈનિંગની છેલ્લી ઓવરમાં મુંબઈને જીતવા માટે માત્ર 11 રનની જરૂર હતી પરંતુ ટીમ માત્ર 5 રન જ બનાવી શકી હતી. લખનઉ તરફથી બોલિંગમાં રવિ બિશ્નોઈ અને યશ ઠાકુરે 2-2 જ્યારે મોહસીન ખાને 1 વિકેટ ઝડપી હતી.