Hardik Pandya News: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યા સાથે છેતરપિંડી કરનાર આરોપીની મુંબઈની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી પંડ્યા બ્રધર્સનો સાવકો ભાઈ વૈભવ છે. કેસ 2021નો છે જ્યારે આરોપી વૈભવે પંડ્યા બ્રધર્સ સાથે મળીને પોલિમર બિઝનેસની કંપની શરૂ કરી હતી. 






આ કંપનીમાં હાર્દિક અને કૃણાલનો હિસ્સો 40-40 ટકા હતો, વૈભવનો 20 ટકા હિસ્સો હતો. ભાગીદારીની શરતો અનુસાર, કંપનીનો નફો ત્રણમાં વહેંચવાનો હતો. કંપનીના નફાની રકમ પંડ્યા બ્રધર્સને આપવાને બદલે આરોપી વૈભવે અલગ કંપની બનાવી નફાની રકમ તેમાં ટ્રાન્સફર કરી હતી.


જેના કારણે પંડ્યા બ્રધર્સને લગભગ 4.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાર્દિકની ફરિયાદના આધારે EOWએ વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે. આરોપી વૈભવને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.


એક રિપોર્ટ અનુસાર, 37 વર્ષીય વૈભવ પર ભાગીદારી કંપનીમાંથી લગભગ 4.3 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. જેના કારણે હાર્દિક-કૃણાલને ઘણું આર્થિક નુકસાન થયું છે. કથિત ગેરરીતિમાં ભંડોળનો દુરુપયોગ અને ભાગીદારીની શરતોનું ઉલ્લંઘન સામેલ છે.


 જો કે, વૈભવે કથિત રીતે તેના સાવકા ભાઈઓને જાણ કર્યા વિના આ જ વ્યવસાયમાં બીજી કંપની બનાવી અને ભાગીદારીના કરારનો ભંગ કર્યો હતો.


પંડ્યા ભાઇઓને નુકસાન થયું


પરિણામ એ આવ્યું કે ભાગીદારીના વાસ્તવિક નફામાં ઘટાડો થયો. લગભગ 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વૈભવે ચૂપચાપ તેના નફાનો હિસ્સો 20 ટકાથી વધારીને 33.3 ટકા કર્યો હતો, જેના કારણે હાર્દિક અને કૃણાલ પંડ્યાને ભારે આર્થિક નુકસાન થયું હતું. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે વૈભવ પંડ્યા પર આ સંબંધમાં છેતરપિંડી અને કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. પંડ્યા ભાઇઓએ આ બાબતે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.