Mumbai Indians vs Gujarat Titans: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 57મી મેચ આજે (12 મે) મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતીને ગુજરાતની ટીમ IPL 2023માં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બનવા માંગશે. બીજી તરફ મુંબઈની ટીમ આ મેચમાં ગુજરાતને હરાવીને અંતિમ ચારમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કરશે. જો કે, IPL 2023માં મુંબઈનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું. પરંતુ રોહિતની ટીમે છેલ્લી કેટલીક મેચોમાં જે રીતે પ્રદર્શન કર્યું છે તેને જોતા આજની મેચ જીતવી ગુજરાત માટે સરળ નહી હોય.


હેડ ટુ હેડ રેકોર્ડ


ઇન્ડિયન પ્રીમિયર લીગ ગુજરાત ટાઇટન્સનો ઇતિહાસ બહુ જૂનો નથી. આ ટીમ ગયા વર્ષે આઈપીએલમાં પ્રવેશી હતી અને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. મુંબઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ છે. આ દરમિયાન બંને ટીમોએ 1-1 મેચ જીતી છે. IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. અને આ સીઝનમાં હાર્દિક પંડ્યાની ટીમે મુંબઈને હરાવીને બરાબરી કરી લીધી હતી. આ આંકડા દર્શાવે છે કે 12મી મેના રોજ યોજાનારી મેચમાં મુંબઈ અને ગુજરાત વચ્ચે જોરદાર ટક્કર થશે.


મુંબઈ મેચ જીતી શકે છે


IPL 2023માં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. આ જ કારણ છે કે હાર્દિક પંડ્યાની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થવાના ઉંબરે ઉભી છે. જો ગુજરાતની ટીમ મુંબઈ સામે જીત નોંધાવશે તો તે IPL 2023માં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની જશે. પરંતુ મુંબઈ સામે તેનો રસ્તો આસાન નહીં હોય. વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ મજબૂત છે. અહીં તેણે 76માંથી 46 મેચ જીતી છે. જો કે ગુજરાતે પણ વાનખેડેમાં વિપક્ષી ટીમોને જોરદાર ટક્કર આપી છે. હાર્દિક પંડ્યાની ટીમે અહીં 4માંથી 3 મેચ જીતી છે.


પરંતુ 12 મેના રોજ યોજાનારી મેચમાં મુંબઈની ટીમ ગુજરાત સામે વિજય નોંધાવી શકે છે. છેલ્લી કેટલીક મેચોમાં રોહિત શર્માની ટીમ શાનદાર જીત નોંધાવવામાં સફળ રહી હતી. હવે ટીમનો તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ફરીથી ફોર્મમાં આવી ગયો છે. તે છેલ્લી કેટલીક મેચોથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. આ સિવાય નેહલ વાઢેરાએ પણ બે બેક ટુ બેક અડધી ફટકારી છે. આ બધું હોવા છતાં બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈ ઈન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડ વાનખેડે પર યોજાશે, જેનો ફાયદો રોહિત શર્માની ટીમને થશે.