આજના દિવસની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે યોજાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમના ઓપનર બેટ્સમેન ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માએ શાનદાર શરુઆત કરી હતી. રોહિત શર્માએ 15 બોલમાં 26 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીની સીઝનમાં મુંબઈએ 3 મેચ રમી છે અને તેને ત્રણેય મેચમાં હાર મળી છે.


મેક્સવેલે તિલક વર્માને કર્યો રન આઉટઃ
આ સિઝનમાં અત્યાર સુધી ગેરહાજર રહેનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલ આજે સિઝનની પ્રથમ મેચ રમી રહ્યો હતો. આ દરમિયાન 10મી ઓવરમાં આકાશ દીપ બોલિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન મુંબઈના બેટ્સમેન તિલક વર્માએ એક બોલ પર રન લેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ગ્લેન મેક્સવેલે વીજળીની ઝડપે દોડીને તિલક વર્માને રન આઉટ કર્યો હતો. પોતાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ માટે જાણીતા મેક્સવેલે આ રીતે પોતાની પ્રથમ મેચમાં જ શાનદાર પ્રદર્શન કરીને મહત્વના બેટ્સમેનને આઉટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તિલક વર્મા 0 રન બનાવીને આઉટ થયો હતો.






 


સચિને આપ્યો જીતનો મંત્રઃ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનમાં અત્યાર સુધી 3 મેચ રમી છે અને ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ આજની મેચ શરુ થઈ તે પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડૂલકર MIના ખેલાડીઓને માર્ગદર્શન આપવા માટે મેદાનમાં આવ્યા હતા. સતત મળતી હાર બાદ આજની મેચમાં સફળતા મળે તે માટે સચિને જીતનો મંત્ર આપ્યો હતો. મુંબઈના ખેલાડીઓને માર્ગદર્શન આપવા આવેલા સચિન તેંડૂલકરે સ્ટેડિયમમાં હાજર દર્શકો અને ટીવી પર મેચ જોતા દર્શકોનું ધ્યાન પણ ખેંચ્યું હતું.