MS Dhoni Milestones: 19 એપ્રિલ (શુક્રવારે), એમએસ ધોનીએ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી IPL 2024 મેચ દરમિયાન ઇતિહાસ રચ્યો હતો. 42 વર્ષીય ધોની આઈપીએલમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે 5,000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ચાલુ આઈપીએલ 2024 સીઝનની સીએસકેની સાતમી લીગ તબક્કાની મેચમાં એલએસજી સામે તેની 28 રનની ઇનિંગ્સ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી. બેટિંગ કરતી વખતે મહાન ક્રિકેટરે નવ બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.






લખનઉ સામેની મેચમાં ધોનીએ પોતાના ચાહકોને નિરાશ કર્યા નહોતા. ધોનીએ ઈકાના સ્ટેડિયમમાં પ્રથમ અને છેલ્લી ઈનિંગમાં પ્રશંસકોનું મનોરંજન કર્યું હતું. તેણે 19મી ઓવરના બીજા બોલ પર સ્ટમ્પની બહાર જઈને શાનદાર સિક્સર ફટકારી. ત્યારપછી તેણે ઈનિંગની છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર 101 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.


તેની 28 રનની ઈનિંગ દરમિયાન ધોની ટૂર્નામેન્ટના ઈતિહાસમાં છઠ્ઠો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો, તેણે આઈપીએલમાં એબી ડી વિલિયર્સના 5162 રનના આંકડાને પાછળ છોડ્યો હતો. અત્યાર સુધી રમાયેલી 257 મેચોની 250 ઇનિંગ્સમાં તેના નામે 5169 રન છે. CSK સિવાય ધોનીએ IPLની 2016 અને 2017ની સીઝનમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ માટે 30 મેચો પણ રમી હતી.


ધોનીએ શુક્રવારે IPL 2024ની 34 નંબરની મેચ દરમિયાન પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. 40 વર્ષની ઉંમર બાદ IPLમાં 5000 થી વધુ રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો. 40 વર્ષની ઉંમર બાદ IPLમાં સૌથી વધુ રન બનાવવાનો અગાઉનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો, જેણે 481 રન બનાવ્યા હતા.