ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની સીઝનમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહેલી મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં મોટા ફેરફાર કરવાના મૂડમાં છે. મુંબઈની ટીમ શરૂઆતની તમામ 8 મેચ હારી ગઈ છે. સીઝનમાં હજુ સુધી ટીમ એક પણ મેચ જીતી શકી નથી.  મુંબઈની ટીમે પોતાની 9મી મેચમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે.






વાસ્તવમાં મુંબઈ ફ્રેન્ચાઈઝીએ સચિન તેંડુલકરના પુત્ર અને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્જુનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ વિડિયો સાથે મુંબઈ ફ્રેન્ચાઈઝીએ કેપ્શનમાં લખ્યું- Charged with a perfect follow through action! Arjun, લય ભારી રે.


સાત સેકન્ડના આ વીડિયોમાં અર્જુન રનઅપ સાથે બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ દરમિયાન કોચિંગ સ્ટાફ પણ તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં એવી આશા રાખવામાં આવી રહી છે કે અર્જુન આગામી મેચથી IPLમાં ડેબ્યૂ કરી શકે છે. 22 વર્ષીય અર્જુન તેના ડેબ્યૂ માટે ખૂબ જ ઉત્સુક છે.


આ પહેલા પણ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા મુંબઈની ટીમે ટ્વીટ કરીને સંકેત આપ્યા હતા કે અર્જુનને ડેબ્યૂ કરી શકે છે.  ત્યારબાદ અર્જુનની બહેન અને સચિનની પુત્રી સારા તેંડુલકરે પણ ફ્રેન્ચાઈઝીના આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી. તેમની આ પ્રતિક્રિયા પણ ખૂબ વાયરલ થઈ હતી. જોકે અર્જુનને ડેબ્યૂ કરવાની તક મળી શકી ન હોતી.


22 વર્ષીય અર્જુન તેંડુલકર લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર છે. તેણે ઘરેલુ ટૂર્નામેન્ટમાં મુંબઈ માટે અત્યાર સુધી માત્ર બે ટી-20 મેચ રમી છે, જેમાં તેણે 2 વિકેટ લીધી છે. મેગા ઓક્શનમાં મુંબઈની ટીમે અર્જુનને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.


અર્જુનના પિતા અને દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર હાલમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેન્ટર છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા છે, જ્યારે મુખ્ય કોચ શ્રીલંકાના મહેલા જયવર્દને છે. મુંબઈની આગામી મેચ રાજસ્થાન  રોયલ્સ સામે છે. આ મેચ 30 એપ્રિલે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.