Pat Cummins On Dan Vettori: ગઇરાત્રે આઇપીએલની બીજી ક્વૉલિફાયર મેચ રમાઇ જેમાં હૈદરાબાદની ટીમે રાજસ્થાનની ટીમને જબરદસ્ત રીતે માત આપી, અને ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી. તમામ લોકો આ મેચમાં પેટ કમિન્સની કેપ્ટનશીપની ચર્ચા કરી રહ્યાં છે, પરંતુ આ મેચમાં જીતનો હીરો કોઇ બીજો જ છે. સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવ્યું. આ જીત બાદ પેટ કમિન્સની આગેવાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સનો પ્રવાસ ખતમ થઈ ગયો છે. જોકે, સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે જીતનો શ્રેય ડેનિયલ વિટ્ટોરીને આપ્યો હતો. તેણે જણાવ્યું કે કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં ડેનિયલ વિટ્ટોરીના નિર્ણયે રમત બદલી નાખી. વાસ્તવમાં, મયંક માર્કંડે પહેલા પેટ કમિન્સે શાહબાઝ અહેમદને બોલિંગની જવાબદારી સોંપી હતી, જેના પછી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ડેનિયલ વિટ્ટોરીના માસ્ટરસ્ટ્રૉકે સનરાઇઝર્સ હૈદરાબાદને મળી જીત
પેટ કમિન્સે કહ્યું કે ડેનિયલ વિટ્ટોરીનો માસ્ટરસ્ટ્રૉક મયંક માર્કંડે પહેલા શાહબાઝ અહેમદને બોલિંગ કરાવવાનો હતો. આ નિર્ણયથી રમત સંપૂર્ણપણે બદલાઈ ગઈ. વાસ્તવમાં, શાહબાઝ અહેમદે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. જેમાં યશસ્વી જાયસ્વાલ, રિયાન પરાગ અને રવિ અશ્વિનની વિકેટ સામેલ છે. પેટ કમિન્સ કહે છે કે રાજસ્થાન રોયલ્સ ટીમમાં ઘણા જમણા હાથના બેટ્સમેન હતા, તેથી જ અમે લેફ્ટ આર્મ સ્પિનર બોલિંગ કરવા ઈચ્છતા હતા. જો કે, શાહબાઝ અહેમદ અમારા માટે એક મોટું ફેક્ટર તરીકે ઉભરી આવ્યા હતા. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ માસ્ટરસ્ટ્રૉક પાછળ ડેનિયલ વિટ્ટોરીનું મગજ હતું.
રાજસ્થાન રૉયલ્સને હરાવીને ફાઇનલમાં પહોંચી સનરાઇઝર્સ હૈદરાબાદ
સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 36 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 7 વિકેટે 139 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સ માટે ધ્રુવ જુરેલે 35 બોલમાં સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. જ્યારે યશસ્વી જાયસ્વાલે 21 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ આ સિવાય બાકીના બેટ્સમેનોનો સાથ મળ્યો ન હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી શાહબાઝ અહેમદે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. અભિષેક શર્માને 2 સફળતા મળી. પેટ કમિન્સ અને ટી2 નટરાજને 1-1 વિકેટ લીધી હતી.