IPL 2023: IPLની 16મી સીઝનની 20મી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, જેના કારણે RCB ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 174 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી.






દિલ્હી કેપિટલ્સ ટીમે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આરસીબી તરફથી ઇનિંગ્સની શરૂઆત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ કરી હતી. બંને ખેલાડીઓએ 4 ઓવરના અંતે સ્કોર 33 રન સુધી પહોંચાડ્યો હતો.


આ પછી આરસીબી ટીમને ઇનિંગ્સની 5મી ઓવરમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો, જે 16 બોલમાં 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ 6 ઓવરમાં RCB માત્ર 47 રન સુધી જ પહોંચી શકી હતી.


વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી


ફાફ ડુ પ્લેસિસના પેવેલિયનમાં પરત ફર્યા બાદ વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. આ મેચમાં વિરાટે શાનદાર અડધી સદી ફટકારી હતી. તે 34 બોલમાં 50 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કોહલીએ મહિપાલ લોમરોર સાથે બીજી વિકેટ માટે 33 બોલમાં 47 રનની ભાગીદારી કરી હતી.


89ના સ્કોર પર 2 વિકેટ ગુમાવ્યા બાદ અચાનક RCBની ઇનિંગ્સમાં વિકેટો પડવાની હારમાળા સર્જાઇ હતી. ટીમે પહેલા મહિપાલ લોમરોરની વિકેટ 117ના સ્કોર પર ગુમાવી હતી, જે 26 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ટીમને 132ના સ્કોર પર સતત 3 વિકેટો ગુમાવી હતી. જેમાં હર્ષલ પટેલ, ગ્લેન મેક્સવેલ અને દિનેશ કાર્તિકની વિકેટ સામેલ હતી.


132ના સ્કોર પર 5 વિકેટ ગુમાવનાર RCBની ટીમે અનુજ રાવતને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કર્યો અને તેને બેટિંગ માટે મેદાનમાં મોકલ્યો હતો.  અનુજ અને શાહબાઝ વચ્ચે 7મી વિકેટ માટે 42 રનની ભાગીદારી જોવા મળી હતી, જેના આધારે RCB ટીમ 20 ઓવરમાં 174 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. અનુજે 15 અને શાહબાઝે 20 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી મિશેલ માર્શ અને કુલદીપ યાદવે 2-2 જ્યારે અક્ષર પટેલ અને લલિત યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.