RCB vs DC: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવીને IPL 2024 પ્લેઓફમાં જવાની તેમની આશા જીવંત રાખી છે. આરસીબીએ પહેલા રમતા 187 રન બનાવ્યા હતા જેમાં રજત પાટીદારની 52 રનની અડધી સદીનું મહત્વનું યોગદાન હતું. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી માત્ર 140 રન બનાવી શકી હતી. આ મેચમાં ઋષભ પંત રમી રહ્યો નહોતો તેથી અક્ષર પટેલે  દિલ્હી તરફથી સૌથી વધુ રન બનાવ્યા, જેણે 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી. દિલ્હી કેપિટલ્સ માટે શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અક્ષર પટેલે કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને જીત સુધી લઇ જઇ શક્યો નહોતો. RCB તરફથી યશ દયાલે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે 3 વિકેટ ઝડપી હતી.


188 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 30 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં ટીમે પાવરપ્લે ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. આવી સ્થિતિમાં શે હોપ અને અક્ષર પટેલ વચ્ચે 56 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. પરંતુ 10મી ઓવરમાં લોકી ફર્ગ્યુસને 29 રનના સ્કોર પર શે હોપને આઉટ કર્યો હતો. 11મી ઓવરમાં માત્ર 3 રન બનાવીને ટ્રિસ્ટન સ્ટબ્સ આઉટ થતાં ડીસીની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે ટીમ પાસે કોઈ બેટ્સમેન બચ્યો ન હતો. અક્ષર પટેલ એક છેડેથી કમાન સંભાળી હતી. 15મી ઓવરના છેલ્લા બોલ પર રસિખ ડાર સલામ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દિલ્હીને જીતવા માટે છેલ્લી 5 ઓવરમાં 61 રન બનાવવાના હતા. 16મી ઓવરમાં યશ દયાલે અક્ષર પટેલને 57 રનના સ્કોર પર પેવેલિયન મોકલ્યો, જેના કારણે બેંગલુરુની જીત લગભગ નિશ્ચિત હતી. દિલ્હીએ 18 ઓવર સુધી 135 રન બનાવી લીધા હતા, પરંતુ હાથમાં માત્ર એક વિકેટ બાકી હતી. છેલ્લી ઓવરમાં 48 રન બનાવવા અશક્ય હતા. દિલ્હી 140ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું, જેના કારણે RCBએ 47 રનથી મેચ જીતી લીધી.


અક્ષર પટેલની શાનદાર ઈનિંગ નિષ્ફળ રહી
 
દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનો એક છેડેથી પોતાની વિકેટો ગુમાવી રહ્યા હતા, પરંતુ આ મેચમાં કેપ્ટન તરીકે રહેલા અક્ષર પટેલ દિવાલ બનીને RCBને જીતથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. અક્ષર પટેલે 39 બોલમાં 57 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા. પરંતુ તે યશ દયાલના બોલ પર ડુપ્લેસીસના હાથે કેચ આઉટ થયો હતો. તેની અડધી સદીની ઈનિંગ દિલ્હીને જીત સુધી લઈ જઈ શકી નથી.


RCBની પ્લેઓફમાં જવાની આશા જીવંત


IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ સતત પાંચમી જીત છે. હવે RCB 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગયું છે. દિલ્હી કેપિટલ્સ સામેની જીત સાથે બેંગલુરુના નેટ રન-રેટમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે જો બેંગલુરુને પ્લેઓફમાં પહોંચવું હોય તો તેને લીગ તબક્કાની છેલ્લી મેચ જીતવી પડશે.  એવી પણ આશા રાખવી પડશે કે CSK અને SRH તેમની બાકીની મેચ હારી જાય.