RR vs DC IPL 2023: ઇન્ડિયન પ્રિમિયર લીગની 16મી સિઝનની 11મી લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સએ દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં ટીમે 57 રનથી મેચ જીતી હતી. આ સાથે તેણે સીઝનની બીજી જીત નોંધાવી હતી. 200 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 142 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને યુઝર્વેન્દ્ર ચહલે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સીઝનમાં દિલ્હીની આ સતત ત્રીજી હાર છે.






200 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમની આ મેચમાં ખૂબ જ ખરાબ શરૂઆત થઈ હતી. પહેલી જ ઓવરમાં રાજસ્થાનના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ત્રીજા અને ચોથા બોલ પર પૃથ્વી શો અને મનીષ પાંડેને આઉટ કરી દિલ્હીને બે ઝટકા આપ્યા હતા. આ પછી દિલ્હીમાં ડેવિડ વોર્નર અને રિલી રુસો વચ્ચે ત્રીજી વિકેટ માટે 36 રનની ભાગીદારી જોવા મળી હતી. રુસો 14 રન બનાવી આઉટ થયો હતો.


જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રથમ 6 ઓવરમાં માત્ર 38 રન જ બનાવી શકી હતી. તેણે 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વોર્નર અને લલિત યાદવ વચ્ચે ચોથી વિકેટ માટે 44 બોલમાં 64 રનની ભાગીદારી કરી હતી. પરંતુ લલિત 38 રન બનાવીને પરત ફર્યો હતો.


ડેવિડ વોર્નરે ચોક્કસપણે 65 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે આ મેચમાં પોતાની ટીમને જીત અપાવવામાં સફળ થઈ શક્યો નહોતો. દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 142 રન બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને ચહલે 3-3, રવિચંદ્રન અશ્વિને 2 જ્યારે સંદીપ શર્માએ 1 ​​વિકેટ ઝડપી હતી.


આ મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરની ઓપનિંગ જોડીએ આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 98 રનની ઝડપી ભાગીદારી કરીને ટીમ માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. યશસ્વી 31 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 60 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


બટલરે આ મેચમાં 51 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 79 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં શિમરોન હેટમાયરે 21 બોલમાં 39 રનની અણનમ ઇનિંગ રમી હતી અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રનનો સ્કોર કર્યો હતો. દિલ્હી તરફથી બોલિંગમાં મુકેશ કુમારે 2 જ્યારે કુલદીપ અને રોવમેન પોવેલે 1-1 વિકેટ ઝડપી હતી.