ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની મેચ નંબર-19માં ગુજરાત ટાઇટન્સ (GT) એ સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં કેચ આઉટને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તે વિકેટ વોશિંગ્ટન સુંદરની હતી. આ વિકેટ એવા સમયે પડી જ્યારે સુંદર 49 રન પર બેટિંગ કરી રહ્યો હતો.

જાણો શું છે આખો મામલો

153 રનના લક્ષ્યાંકના જવાબમાં ગુજરાતની શરૂઆત કદાચ સારી ન રહી હોય. પરંતુ સુંદર અને ગિલે એક અદભૂત ભાગીદારી કરી હતી. જ્યારે સુંદર 49 રન પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે 14મી ઓવર ચાલી રહી હતી. શમીની ઓવરના પહેલા જ બોલ પર સુંદરે એરિયલ શોટ રમ્યો હતો. બોલ અનિકેત પાસે ગયો. તેણે કેચ પકડ્યો. પરંતુ વીડિયોમાં એવું લાગી રહ્યું હતું કે બોલ પહેલા જમીન પર અડ્યો હતો. જોકે, ત્રીજા અમ્પાયરે સુંદરને આઉટ જાહેર કર્યો હતો. આ કારણે ડગઆઉટમાં બેઠેલા ખેલાડીઓની સાથે કેપ્ટન ગિલ પણ ગુસ્સે જોવા મળ્યો હતો.

આવી હતી હૈદરાબાદની ઇનિંગ

પહેલા બેટિંગ કરવા આવેલા હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. હેડ 8 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અભિષેક શર્મા પણ 5મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે ફક્ત 18 રન કર્યા હતા. ઇશાન કિશન પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી પરંતુ તે પણ 8મી ઓવરમાં માત્ર 17 રન કરીને આઉટ થઈ ગયો. આ પછી હેનરિક ક્લાસેને કેટલાક સારા શોટ રમ્યા પરંતુ 14મી ઓવરમાં તેની વિકેટ ગુમાવી દીધી હતી. નીતીશ રેડ્ડી પણ આઉટ થઈ ગયો હતો . જોકે, અંતે પેટ કમિન્સે કેટલાક સારા શોટ રમ્યા જેના કારણે હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 152 રન જ બનાવી શક્યું હતું.

આવી હતી ગુજરાતની ઇનિંગ

153 રનના લક્ષ્યાંકના જવાબમાં ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. સાઈ સુદર્શન ત્રીજી ઓવરમાં જ આઉટ થઈ ગયો હતો. આ પછી બટલર પણ બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો. બટલર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં. જોકે, આ પછી વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલ વચ્ચે એક સારી ભાગીદારી કરી હતી.  ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી જ્યારે સુંદર 49 રન બનાવીને આઉટ થયો હતો. આ કારણે ગુજરાતે 17મી ઓવરમાં જ 153 રનના લક્ષ્ય ચેઝ કર્યો હતો.