IPL 2023, Rohit Sharma On Mumbai Indians Win: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 25મી મેચ 18 એપ્રિલના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની ટીમે 14 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટે 192 રન બનાવ્યા હતા. જીત માટે 193 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમ 19.5 ઓવરમાં ઓલઆઉટ થતાં 178 રન જ બનાવી શકી હતી. IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ત્રીજી જીત છે. ટીમે સતત ત્રણ મેચ જીતતા કેપ્ટન રોહિત શર્મા ખુશ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ટીમની બેટિંગ સહિત અર્જુન તેંડુલકરના વખાણ કર્યા હતા.






બેટિંગની મજા માણી રહી છે


મેચ બાદ વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે, હૈદરાબાદમાં રમતી વખતે મારી પાસે સારી યાદો છે. મેં અહીં ત્રણ સીઝન રમી અને એક ટ્રોફી જીતી છે.  અમારી પાસે કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ પહેલા IPL નથી રમ્યા, તેમને સપોર્ટ કરવો જરૂરી છે. હું મારી બેટિંગનો આનંદ માણી રહ્યો છું. હું જે કરું છું તેને પ્રેમ કરું છું. આપણામાંથી એકને છેલ્લી ઘડી સુધી બેટિંગ કરવાની જરૂર છે. પરંતુ જ્યાં સુધી અમે મોટા સ્કોર બનાવી રહ્યા છીએ ત્યાં સુધી અમે ખુશ છીએ. અમારી પાસે મજબૂત બેટિંગ લાઇન અપ છે અને અમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે અમારા બેટ્સમેન નિર્ભયતાથી બેટિંગ કરે.


આ દરમિયાન રોહિત શર્માએ પણ અર્જુન તેંડુલકરના જોરદાર વખાણ કર્યા હતા. હિટમેને કહ્યું હતું કે 'અર્જુન સાથે રમવું ખૂબ જ રોમાંચક છે. અર્જુન છેલ્લા ત્રણ વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે. મેં તેને મોટો થતા જોયો છે. અર્જુન સમજી ગયો કે તે શું કરવા માંગે છે. અર્જુન નવા બોલથી સ્વિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સિવાય તે સ્લોગ ઓવરોમાં યોર્કર બોલ ફેંકી રહ્યો છે.


ટોપ-6માં પ્રવેશ


સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત નોંધાવ્યા બાદ મુંબઈની ટીમ ટોપ-6માં પ્રવેશી ગઈ છે. હવે મુંબઈની ટીમ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. IPL 2023માં મુંબઈએ પાંચ મેચ રમી છે જેમાં ત્રણમાં જીત અને બેમાં હાર થઈ છે. રોહિત શર્માની ટીમે 16મી સીઝનમાં સતત 2 હાર બાદ શરૂઆત કરી હતી પરંતુ પછીની ત્રણ મેચ જીતીને ટીમે શાનદાર વાપસી કરવામાં સફળ રહી હતી.