Virat Kohli, IPL Code of Conduct: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે રાત્રે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે એક શાનદાર મેચ જોવા મળી, આ મેચમાં વિરાટ કોહલીને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો. એકબાજુ મેચમાં હાર થઇ તો બીજીબાજુ વિરાટને મોટી સજા પણ મળી. મેચ બાદ વિરાટ કોહલીને તેની મેચ ફીના 10% દંડ ફટકારવામાં આવ્યો હતો. મેચ દરમિયાન આઈપીએલની આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેને આ દંડ ફટકારવામાં આવ્યો હતો. કોહલીએ પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.


IPLના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "RCBના બેટ્સમેન વિરાટ કોહલીને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કર્યો છે, અને ભંગ કરવા બદલ તેને મેચ ફીના 10% દંડ ફટકારવામાં આવ્યો છે." કોહલીએ પણ આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2ની લેવલ-1 અપરાધ કેટેગરી અંતર્ગત પોતાની ભૂલ સ્વીકારી છે.


IPL આચાર સંહિતાની કલમ 2.2 લેવલ-1 અંતર્ગત જુદાજુદા પ્રકારના ગુનાઓ બતાવવામાં આવ્યા છે. આમાં ખેલાડીના ડ્રેસ અને વિપક્ષી ટીમ અને એમ્પાયર સાથેના તેના વર્તનને લગતા કેટલાક કડક નિયમો છે.


મેચમાં આ રીતે વિરાટ કોહલીને બેવડો માર સહન કરવો પડ્યો છે. ખરેખરમાં, RCBને આ મેચમાં CSKના હાથે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા CSKએ 6 વિકેટો ગુમાવીને 226 રનનો વિશાળ સ્કૉર બનાવી લીધો હતો. આના જવાબમાં RCBની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 218 રન જ બનાવી શકી. ખાસ વાત છે કે, વિરાટ કોહલી આ મેચમાં માત્ર ચાર બૉલ રમીને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. કુલ 6 રનના સ્કૉર પર આકાશ સિંહે બૉલ્ડ કરી દીધો હતો.