SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
હૈદરાબાદ સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે જયસ્વાલના થ્રોથી સંદીપ શર્માને વાગ્યું, પરંતુ સદનસીબે ઈજા ગંભીર ન હતી.

Yashasvi Jaiswal throw incident: સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી IPL 2025ની મેચમાં એક એવી ઘટના બની જેણે સૌને ક્ષણભર માટે ચોંકાવી દીધા હતા. મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ફિલ્ડિંગ કરતી વખતે પોતાના જ સાથી ખેલાડી અને અનુભવી બોલર સંદીપ શર્માને બોલ મારી દીધો હતો. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી ઈજા થઈ ન હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની આ મેચમાં રાજસ્થાન રોયલ્સના બોલરોની શરૂઆતથી જ હાલત કફોડી હતી. ટ્રેવિસ હેડ, ઈશાન કિશન અને અભિષેક શર્મા જેવા બેટ્સમેનો જોરદાર ફટકાબાજી કરી રહ્યા હતા. આ દરમિયાન, રાજસ્થાન રોયલ્સ પહેલાથી જ પોતાના કેપ્ટન સંજુ સેમસનની આંગળીની ઈજાથી પરેશાન હતી, જેના કારણે તે માત્ર બેટ્સમેન તરીકે રમી રહ્યો હતો.
ટ્રેન્ડિંગ



રવિવાર, 23 માર્ચના રોજ રમાયેલી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને રાજસ્થાનના બોલરોને પરેશાન કરી દીધા હતા. ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને ઈશાન કિશને મળીને પ્રથમ 10 ઓવરમાં જ 100થી વધુ રન બનાવી દીધા હતા.
આ દરમિયાન, સનરાઈઝર્સના બેટ્સમેનો રાજસ્થાનના બોલરોને નિશાન બનાવી રહ્યા હતા ત્યારે જ એક અણધારી ઘટના બની. ટ્રેવિસ હેડે સંદીપ શર્માના એક બોલ પર જોરદાર શોટ લગાવ્યો. સંદીપે બોલને રોકવાનો પ્રયાસ કર્યો, જેમાં તેના હાથ પર બોલ વાગ્યો અને તેને ઈજા થઈ. ટ્રેવિસ હેડ તરત જ સંદીપ પાસે ગયો અને તેની માફી માંગી. પરંતુ આ જ ક્ષણે, યશસ્વી જયસ્વાલે ફિલ્ડિંગ દરમિયાન બોલ ઉપાડ્યો અને સંદીપ તરફ ફેંક્યો. કમનસીબે, સંદીપનું ધ્યાન બોલ તરફ ન હતું અને બોલ તેના ડાબા ખભા પાસે જોરથી અથડાયો.
બોલ વાગતાની સાથે જ સંદીપ દર્દથી રડવા લાગ્યો. મેદાન પર હાજર મેડિકલ ટીમ તાત્કાલિક તેની તપાસ માટે દોડી આવી હતી. આ ઘટના જોઈને યશસ્વી જયસ્વાલ પણ ડરી ગયો હતો. જો કે, યશસ્વી અને સમગ્ર રાજસ્થાન રોયલ્સની ટીમે રાહતનો શ્વાસ લીધો જ્યારે સંદીપ શર્મા થોડીવાર પછી સ્વસ્થ થઈને ફરીથી બોલિંગ કરવા માટે મેદાન પર પાછો ફર્યો.
મેચની વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેનોએ શાનદાર શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની જોડીએ માત્ર 3 ઓવરમાં 45 રન બનાવ્યા હતા. અભિષેક આઉટ થયા બાદ ઈશાન કિશને પણ આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. હૈદરાબાદે પાવર પ્લેમાં જ 94 રન બનાવી દીધા હતા, જેમાં ટ્રેવિસ હેડે માત્ર 21 બોલમાં આ સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી.