Sunrisers Hyderabad Team: IPL 2025ની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં હૈદરાબાદની ટીમે 44 રનથી મેચ જીતી હતી. આ મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોએ એવી રીતે બેટિંગ કરી જે ભાગ્યે જ જોવા મળે છે. રાજસ્થાનના બોલરો મેચમાં સંપૂર્ણ રીતે બિનઅસરકારક સાબિત થયા હતા અને સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. મેચમાં SRHના બેટ્સમેનોએ રન બનાવ્યા અને ટીમે પ્રથમ બેટિંગ કરીને 286 રન બનાવ્યા. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલી એવી ટીમ બની ગઈ છે, જેણે T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 250 પ્લસ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.


હૈદરાબાદની ટીમે કમાલ કર્યો 


સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે અત્યાર સુધી ટી20 ક્રિકેટની ચાર મેચમાં 250 પ્લસ રન બનાવ્યા છે. જ્યારે સરે ક્રિકેટ અને  ભારતીય ક્રિકેટ ટીમે T20 ક્રિકેટની ત્રણ મેચોમાં 250 પ્લસ રન બનાવ્યા હતા. હવે SRH એ સરે અને ભારતીય ક્રિકેટ ટીમનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે અને પોતે નંબર વન પર પહોંચી ગઈ છે.


ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું 


સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગત સિઝનમાં, SRH એ RCB સામે IPL મેચમાં 287 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 277 રન, દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 266 રન અને હવે આ સિઝનની પોતાની પ્રથમ મેચમાં 286 રન બનાવ્યા છે. આ રીતે ટીમે અત્યાર સુધી ચાર T20 મેચમાં 250 પ્લસનો સ્કોર કર્યો છે.


ઈશાન કિશને સદી ફટકારી હતી 


રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ ઇનિંગ્સની શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. આ બંનેએ SRHના મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. હેડે માત્ર 31 બોલમાં 67 રન બનાવ્યા હતા. બીજી તરફ અભિષેકે 11 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી ત્રીજા નંબરે આવેલ ઈશાન કિશન એકદમ અલગ મૂડમાં જોવા મળ્યો હતો.


તેણે મેદાનના દરેક ખૂણે સ્ટ્રોક ફટકાર્યા અને 47 બોલમાં 106 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે રાજસ્થાનના બોલરોને સંપૂર્ણ રીતે ધોઈ નાખ્યા હતા.  રેડ્ડીએ 15 બોલમાં 30 રન અને ક્લાસને 14 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ હૈદરાબાદની ટીમ પહાડ જેવો મોટો સ્કોર કરી શકી હતી.