Aakash Chopra T20 World Cup Team India: ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આગામી ટી-20 વર્લ્ડ કપને લઈને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ખેલાડી આકાશ ચોપડાએ ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. જોકે, તેઓએ આ ટીમની પસંદગી આઇપીએલના પ્રદર્શનના આધારે જ કરી છે. આકાશ ચોપરાની ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિષભ પંત જેવા ખેલાડીઓને સ્થાન નથી આપ્યું. આકાશ ચોપરાએ સ્પષ્ટ કર્યું કે, તેમણે આઇપીએલના પ્રદર્શનના આધારે જ આ ટીમની પસંદગી કરી છે. ખેલાડીઓની પસંદગી કરતી વખતે તેમની પ્રતિષ્ઠાને ધ્યાનમાં લેવામાં આવતી નથી.


હાર્દિક પંડ્યાને બનાવાયો ટીમનો કેપ્ટન, કૃણાલ પંડ્યાને પણ આપ્યું સ્થાન


આકાશ ચોપરાએ હાર્દિક પંડ્યાને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સે આ વર્ષે આઇપીએલનો ખિતાબ જીત્યો હતો. આકાશ ચોપડાએ ઓપનર તરીકે કેએલ રાહુલ અને ઇશાન કિશનની પસંદગી કરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી શાનદાર પ્રદર્શન કરનાર રાહુલ ત્રિપાઠીને ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે. આકાશ ચોપરાની ટીમમાં હાર્દિક પંડયાનો મોટો ભાઈ અને લખનઉ સુપર જાયન્ટ્સનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પણ સામેલ છે. આકાશ ચોપરાના મતે કૃણાલ પંડ્યા ઓલરાઉન્ડર તરીકે વધુ સારો વિકલ્પ બની રહેશે.


ફિનિશર તરીકે દિનેશ કાર્તિકને મળ્યું સ્થાન


પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ આ ટીમમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની પણ પસંદગી કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી શાનદાર પ્રદર્શન કરનાર દિનેશ કાર્તિકને ફિનિશર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.


બોલર તરીકે કોને આપ્યું સ્થાન


બોલર તરીકે ટીમમાં અર્શદીપ સિંઘ, કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ સામેલ છે. યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, અવેશ ખાન, દીપક હૂડા અને હર્ષલ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચોપરાએ સંજુ સેમસન અને દિનેશ કાર્તિક એમ બે વિકેટકિપરને સ્થાન આપ્યું છે.