IPL 2022: ઈંડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ ગણાતી મુંબઈ ઈંડિયન્સ માટે આ સીઝન ખુબ જ ખરાબ રહી છે. આ એ જ મુંબઈ ઈંડિયન્સ છે જે 5 વખત આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. IPL 2022માં શરુઆતની 6 મેચો હારી જતાં મુંબઈ ઈંડિયન્સની ટીમ હેડલાઈનમાં છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે, આ સીઝનમાં ટીમ ક્યાં ભૂલ કરી રહી છે. આ ભૂલો જોવા જઈએ તો સૌથી પહેલાં દેખાય છે કેપ્ટનશીપ અને કેપ્ટનશીપ કરી રહેલ રોહિત શર્મા.


રોહિત શર્મા આ સીઝનમાં ઓપનિંગ કરવા માટે આવે છે. રોહિતને સારી શરુઆત પણ મળી રહી છે, પરંતુ ટીમ જંગી સ્કોર નથી બનાવી રહી. આ જ કારણ છે કે, મુંબઈને મિડલ ઓર્ડર બેટ્સમેન પર નિર્ભર રહેવું પડે છે. અત્યાર સુધીની 6 મેચમાં કેપ્ટન રોહિતે 114 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 19 રનની જ રહી છે. બેટિંગ ફોર્મ અંગે જ્યારે રોહિતને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો ત્યારે રોહિતે કહ્યું કે, જો મને સમજમાં આવે કે ક્યાં ભૂલ થઈ રહી છે તો તેને ઠીક જરુરથી કરત. પરંતુ એવું નથી. હાલ સ્પષ્ટ નથી થઈ રહ્યું. હું ટીમની સંપુર્ણ જવાબદારી લઉં છું. કેમ કે ટીમની જે આશાઓ છે તે હું પુરી નથી કરી શકતો.  


રિકી પોંટિંગે છોડી હતી કેપ્ટનશીપઃ
મુંબઈ ઈંડિયન્સ સાથે આવું પહેલી વખત નથી થઈ રહ્યું જ્યારે તેમનો કેપ્ટન ખરાબ ફોર્મમાં હોય. વર્ષ 2013ની આઈપીએલ સીઝનમાં મુંબઈ ઈંડિયન્સે રિકી પોંટિંગને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ જ્યારે ટુર્નામેન્ટ શરુ થઈ ત્યારે તે ખુબ જ ખરાબ ફોર્મમાં હતો. એ સીઝનની શરુઆતની 6 મેચોમાં પોંટિંગે ફક્ત 52 રન બનાવ્યા હતા. આ સમયે પોંટિંગે મોટો નિર્ણય લીધો હતો અને ટીમની બહાર નિકળી ગયો હતો. રિકી પોંટિંગે એ સમયે રોહિત શર્માને કેપ્ટન બનાવવા માટેની સલાહ આપી હતી અને પોતે ટીમના મેંટર તરીકે ટીમમાં જોડાયેલ રહ્યો હતો. જો કે, પોંટિંગનો આ નિર્ણય સફળ સાબિત થયો હતો અને ટીમે એ સીઝનમાં પ્રથમ વખત આઈપીએલનું ટાઈટલ જીત્યું હતું. ત્યારે હવે ફરી મુંબઈની 6 મેચોની કારમી હાર બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું રોહિત પણ રિકી પોંટિંગ જેવો નિર્ણય લેશે?