IPL Orange Cap & Purple Cap Race: આઈપીએલ 2024માં આજે પંજાબ કિંગ્સ સામે વિરાટ કોહલીએ 47 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ પછી, વિરાટ કોહલી ફરીથી ઓરેન્જ કેપની રેસમાં ટોચ પર પહોંચી ગયો છે. હવે વિરાટ કોહલીના નામે 12 મેચમાં 70.44ની એવરેજથી 634 રન છે. વિરાટ કોહલીએ રૂતુરાજ ગાયકવાડને પાછળ છોડી દીધો છે. ઋતુરાજ ગાયકવાડે 11 મેચમાં 60.11ની એવરેજથી 541 રન બનાવ્યા છે. આ રીતે વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચેનું અંતર 93 રનનું થઈ ગયું છે. વિરાટ કોહલી હાલ રન બનાવવામાં નંબર વન પર છે.
વિરાટ કોહલીને આ બેટ્સમેનોથી સ્પર્ધા મળી રહી છે
વિરાટ કોહલી અને રુતુરાજ ગાયકવાડ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદનો ટ્રેવિસ હેડ ત્રીજા સ્થાને છે. ટ્રેવિસ હેડે 11 મેચમાં 53.30ની એવરેજથી 533 રન બનાવ્યા છે. જ્યારે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનના નામે 11 મેચમાં 67.29ની એવરેજથી 471 રન છે. આ યાદીમાં પાંચમા સ્થાને રહેલા સુનીલ નારાયણે 11 મેચમાં 41.91ની એવરેજથી 461 રન બનાવ્યા છે.
હર્ષલ પટેલે પર્પલ કેપની રેસમાં જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધો હતો
આ સાથે જ હર્ષલ પટેલે પર્પલ કેપની રેસમાં જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો છે. હર્ષલ પટેલ 12 મેચમાં 20 વિકેટ લઈને ટોપ પર પહોંચી ગયો છે. આ રીતે જસપ્રીત બુમરાહ બીજા સ્થાને સરકી ગયો છે. જસપ્રિત બુમરાહના નામે 12 મેચમાં 16.50ની એવરેજથી 18 વિકેટ છે. આ પછી ત્રીજા અને ચોથા સ્થાને વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહની 16-16 વિકેટો લઈ બરાબરી પર છે.
ટી નટરાજન પાંચમા અને મુકેશ કુમાર છઠ્ઠા સ્થાને છે. આ બંને બોલરોના નામે 15-15 વિકેટ સમાન છે. જો કે હાલમાં વિરાટ કોહલી ઓરેન્જ કેપ રેસમાં ટોપ પર છે અને હર્ષલ પટેલ પર્પલ કેપ રેસમાં ટોપ પર છે.
IPL પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ ક્યાં સ્થાન પર છે
આઈપીએલ 2024માં 16 પોઈન્ટ સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ નંબર વન પર છે. જ્યારે બીજા નંબર પર રાજસ્થાન રોયલ્સ છે. રાજસ્થાનના પણ 16 પોઈન્ટ છે. કોલકાતાની ટીમની નેટ રન રેટ રાજસ્થાન કરતા સારી છે જેના કારણે તે નંબર વન પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 14 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.