IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની ફાઈનલ મેચ 26 મે (રવિવાર)ના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 8 વિકેટે હરાવ્યું. જ્યાં કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજી વખત આઈપીએલ ચેમ્પિયન બની છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદનું બીજી વખત IPL ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
KKRએ ત્રીજી વખત IPLનો ખિતાબ જીત્યો. ટાઈટલ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે કેકેઆરના બોલરોએ તેના નિર્ણયને ખોટો સાબિત કર્યો અને હૈદરાબાદની ટીમ 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
IPLની આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પંજાબ કિંગ્સ (PBKS)ના ફાસ્ટ બોલર હર્ષલ પટેલનો દબદબો રહ્યો હતો. વિરાટ કોહલીએ સમગ્ર સિઝનમાં બેટથી શાનદાર રમત રમી અને સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી. જ્યારે હર્ષલ પટેલે સૌથી વધુ વિકેટ લઈને પર્પલ કેપ કબજે કરી હતી.
35 વર્ષીય વિરાટ કોહલીએ IPL 2024માં 15 મેચમાં 61.75ની એવરેજ અને 154.69ની સ્ટ્રાઈક રેટથી 741 રન બનાવ્યા હતા. આ દરમિયાન કિંગ કોહલીએ એક સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. વિરાટે બીજી વખત ઓરેન્જ કેપ કબજે કરી છે. કોહલી IPLમાં બે વખત ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા કોહલીએ 2016ની સિઝનમાં 973 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી.
ફાસ્ટ બોલર હર્ષલ પટેલની વાત કરીએ તો તેણે આ સિઝનમાં 14 મેચમાં 19.87ની એવરેજ અને 9.73ના ઈકોનોમી રેટથી 24 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે બીજી વખત પર્પલ કેપ કબજે કરી છે. આ પહેલા હર્ષલે 2021 સીઝનમાં પણ પર્પલ કેપ જીતી હતી.
IPL 2024માં સૌથી વધુ રન
• વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 741 રન
• રૂતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ) – 583 રન
• રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ) – 573 રન
• ટ્રેવિસ હેડ (સનરાઈઝર્સ હૈદરાબાદ) – 567 રન
• સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ) – 531 રન
IPL 2024માં સૌથી વધુ વિકેટ
• હર્ષલ પટેલ (પંજાબ કિંગ્સ) – 24 વિકેટ
• વરુણ ચક્રવર્તી (કોલકાતા નાઈટ રાઈડર્સ) – 21 વિકેટ
• જસપ્રિત બુમરાહ (મુંબઈ ઈન્ડિયન્સ) – 20 વિકેટ
• આન્દ્રે રસેલ (કોલકાતા નાઈટ રાઈડર્સ) – 19 વિકેટ
• હર્ષિત રાણા( કોલકાતા નાઈટ રાઈડર્સ) – 19 વિકેટ