IPL 2022માં સોમવારે રમાયેલી મેચમાં થર્ડ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠ્યા છે. મુંબઈ અને કોલકાતા વચ્ચેની મેચમાં રોહિત શર્માને જે રીતે આઉટ આપવામાં આવ્યો તેની સાથે ન તો મુંબઈના ખેલાડીઓ સહમત હતા કે ન તો રોહિતના ચાહકો. ગઈકાલે 166 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈએ તેની ઇનિંગની પહેલી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. મેદાન પરના અમ્પાયરે રોહિતને નોટઆઉટ આપ્યો હતો પરંતુ KKRના રિવ્યુ પર થર્ડ અમ્પાયરે રોહિતને આઉટ જાહેર કર્યો હતો. થર્ડ અમ્પાયરના આ નિર્ણય પર સવાલો ઉભા થયા કારણ કે રિવ્યુમાં પણ રોહિત નોટ આઉટ જોવા મળ્યો હતો.


KKR તરફથી પ્રથમ ઓવર ટિમ સાઉથીએ કરી હતી. ઓવરનો છેલ્લો બોલ, રોહિતના બેટમાંથી પસાર થઈને થાઈ પેડ પર વાગ્યો અને પછી વિકેટકીપર શેલ્ડન જેક્સનના હાથમાં ગયો હતો. KKRના ખેલાડીઓએ અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે અપીલ નકારી હતી. KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે ત્યાર બાદ રિવ્યુ લીધો હતો. રિવ્યુમાં બોલ બેટને સ્પર્શતો જોવા મળ્યો ન હતો, પરંતુ અલ્ટ્રાએજમાં બોલ બેટમાંથી પસાર થતો હતો ત્યારે સ્પાઇક જોવા મળ્યો હતો અને આ જોઈને થર્ડ અમ્પાયરે રોહિતને આઉટ આપ્યો હતો. જો કે, તે અલ્ટ્રા એજમાં પણ સ્પષ્ટપણે દેખાતું હતું કે બોલ બેટની નજીકથી પસાર થાય તે પહેલાં જ સ્પાઇક્સ દેખાતું હતું. તેથી તે ટેકનિકલ ખામી હોઈ શકે છે. પરંતુ થર્ડ અમ્પાયરે તેના પર ધ્યાન ન આપ્યું અને રોહિતને આઉટ જાહેર કર્યો હતો.






અલ્ટ્રાએજ શું છે?
રિવ્યુ જોતી વખતે અલ્ટ્રાએજ અને વિડિયો ફૂટેજ દ્વારા જોવામાં આવે છે કે બોલ બેટને સ્પર્શ કરે છે કે નહીં. અલ્ટ્રાએજ ટેક્નોલોજી સ્ટમ્પ માઈક દ્વારા અવાજ સાંભળે છે અને સામાન્ય અવાજને પણ રેકોર્ડ કરે છે. આ રીતે જો બેટની ધાર પણ જો બોલ સાથે સ્પર્શ કરે તો તેનો અવાજ રેકોર્ડ થઈ જાય છે અને તેના આધારે આઉટ કે નોટઆઉટનો નિર્ણય આ ટેકનિક દ્વારા લેવામાં આવે છે. આ ટેકનીકનો ઉપયોગ કેચ આઉટ કરવા અથવા બોલ બેટને લાગ્યો છે કે નહીં તે જાણવા માટે કરવામાં આવે છે.


હોટ-સ્પોટ ટેકનોલોજી શું છે?
આ ટેકનોલોજીને આપણે એક્સ-રે જેવી ટેકનોલોજી કહી શકીએ. બોલ જ્યાં પણ અથડાય છે ત્યાં સફેદ નિશાન દેખાય છે. અમ્પાયર આ ટેકનિકનો ઉપયોગ એ જોવા માટે કરે છે કે શું બોલ બેટની કિનારીને સ્પર્શ્યો છે કે કેમ. જો બોલ બેટ સાથે સ્પર્શે છે અથવા જ્યાં પણ અથડાય છે ત્યાં સફેદ વર્તુળ દેખાય છે. જો કે, આ ખૂબ ખર્ચાળ ટેક્નોલોજી છે અને મોટાભાગના મેદાનોમાં આ સુવિધા નથી જોવા મળતી.