ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ખેલાડી દીપક ચહરની ફિટનેસ વિશે હજુ સુધી કોઈ અપડેટ નથી આવ્યું. હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે દીપક IPLની શરુઆતની મેચો નહીં રમી શકે. CSK ટીમ મેનેજમેન્ટ માટે આ મહત્વપૂર્ણ ખેલાડીની જગ્યાએ બીજા કોઈ ખેલાડીને લેવો એ મોટો પડકાર હશે. આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય ખેલાડી ઈરફાન પઠાણે ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીને એક સલાહ આપી  છે. દીપક ચહરની ગેરહાજરીમાં તેણે U-19 સ્ટાર રાજવર્ધન હંગરગેકરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા કહ્યું છે.


રાજવર્ધન હંગરગેકરને મોકો આપી શકાયઃ


ઈરફાન પઠાણે કહ્યું, 'દીપક ચહરનો વિકલ્પ શોધવો સરળ નથી. દીપક જે પ્રકારનો બોલર છે અને તેની પાસે સ્વિંગથી લઈને ઝડપી વિકેટ લેવા સુધીનું કૌશલ્ય છે. તેવો બોલર શોધવો સરળ નથી. જો તે ફિટ હશે તો પ્લેઈંગ ઈલેવનમાં ચોક્કસપણે આવશે પરંતુ ત્યાં સુધી CSKએ રાજવર્ધન હંગરગેકરને તક આપવી જોઈએ. મને લાગે છે કે, આ (રાજવર્ધન) યુવા ખેલાડીમાં ઘણી ક્ષમતા છે.


ઈરફાને વધુમાં કહ્યું હતું કે, 'હંગરગેકર યુવા પ્રતિભા છે. જો કોઈ યુવા ખેલાડી બીજી કોઈ ટીમમાં જાય તો મને થોડી ચિંતા થાય, પરંતુ કારણ કે હંગરગેકર ચેન્નાઈમાં છે અને ધોની ચેન્નાઈનો કેપ્ટન છે તો ચિંતા કરવાની કોઈ વાત નથી. જ્યારે આવો કેપ્ટન સ્ટમ્પની પાછળ ઊભો હોય છે, ત્યારે યુવા બોલરો માટે સ્થિતિ ખૂબ જ સરળ બની જાય છે.


ઉલ્લેખનીય છે કે, CSKએ મેગા ઓક્શનમાં અંડર-19 વર્લ્ડ કપ ટીમના ઓલરાઉન્ડર રાજવર્ધન હંગરગેકરને 1.5 કરોડમાં ખરીદ્યો હતો. હંગરગેકરે વર્લ્ડ કપમાં બોલ અને બેટ બંનેથી જોરદાર પ્રદર્શન કર્યું હતું.


દીપક ચહર પર સસ્પેન્સઃ
CSKના ફાસ્ટ બોલર દીપક ચહર આ વખતે IPL રમશે કે નહી તે વાત પર સસ્પેન્સ યથાવત્ છે. તે હજુ સુધી સંપૂર્ણ ફીટ નથી થયો. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સારવાર લઈ કરી રહ્યો છે. NCA તરફથી 100% ફીટ હોવાનું પ્રમાણપત્ર મેળવ્યા પછી જ ચાહર IPLમાં રમી શકશે. હાલમાં ચેન્નાઈની ટીમ તેના ફિટનેસ અપડેટની રાહ જોઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ચહર આ IPL મેગા ઓક્શનમાં બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો. ચેન્નાઈએ તેને 14 કરોડમાં ખરીદ્યો હતો.