નવી દિલ્હી: સંસદમાં નાગરિકતા સંશોધન કાયદો પાસ થયા બાદથી અનેક સ્થળો પર વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સ પર પોલીસની કાર્યવાહીની અનેક જાણીતી હસ્તીઓએ ટીકા કરી છે. આ હસ્તીઓમાં ભારતીય પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ પણ સામેલ છે. ઈરફાન પઠાણે સ્ટુડન્ટ્સ પર થયેલા હુમલાઓ પર વિરોધ વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું છે. જોકે આ ટ્વિટ બાદ ઈરફાનને ઘણો ટ્રોલ કરવામાં આવી આવ્યો, ત્યારબાદ ઈરફાને વધુ એક વિરોધ કર્યો કે હું ભારતીય છું અને મારા દેશમાં પોતાની વાત રજૂ કરવાનો હક છે. આ દરમિયાન ઈરફાને પોતાના પાકિસ્તાન પ્રવાસને યાદ કરતો એક કિસ્સો જણાવ્યો જ્યાં તેમના ધર્મ પર સવાલ ઊઠાવવામાં આવ્યા હતા.


ઇરફાન પઠાણે જણાવ્યું કે 2004માં દોસ્તાના સીરીઝ માટે પાકિસ્તાન ગયો હતો. આ દરમિયાન તે રાહુલ દ્રવિડ, પાર્થિવ પટેલ અને લક્ષ્મીપતિ બાલાજીની સાથે લાહોરની એક કૉલેજમાં ગયો હતો જ્યાં લગભગ 1500 બાળકો હતા અને તેમને પ્રશ્નો કરી રહ્યા હતા. આ દરમિયાન એક છોકરીએ ઉભા થઈ અને અત્યંત ગુસ્સામાં ઇરફાન પઠાણને પુછ્યું કે જો તે મુસ્લિમ છે તો ભારત તરફથી કેમ રમે છે? ઇરફાને જણાવ્યું કે, “હું ઉભો થયો અને કહ્યું કે ભારત તરફથી રમીને કોઇ અહેસાન નથી કરી રહ્યો. ભારત મારો દેશ છે. મારા પૂર્વજ ભારતનાં છે. હું ભાગ્યશાળી છું કે તેનું પ્રતિનિધિત્વ કરી શક્યો છું. મારો જવાબ સાંભળીને કૉલેજમાં સૌએ તાળીયો વગાડી.”


ઈરફાન પઠાણે કહ્યું કે જ્યારે તે બોલિંગ કરે છે તો તે એવું નથી વિચારતો કે તે એક મુસલમાન છે. કારણે કે તેઓ પોતાને સૌથી પહેલા ભારતીય માને છે. પઠાણે કહ્યુ કે જો તેઓ પાકિસ્તાન જઈને તેમની સામે પોતાના દેશ માટે આ કહી શકે છે તો પોતાના જ દેશમાં પોતાની વાત કેમ ન રજૂ કરી શકે.

નોંધનીય છે કે, ઈરફાન પઠાણે ટ્વિટ કર્યું હતું કે, રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપ ચાલતા રહેતા હોય છે પરંતુ હું અને આપણો દેશ જામિયા મિલિયાના સ્ટુડન્ટ્સ માટે પરેશાન છીએ. ઈરફાનના ટ્વિટ બાદ તેઓ ટ્રોલરના નિશાને આવી ગયા. ઈરફાન પઠાણે તેની પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યુ કે, જ્યારે મેં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની વિરુદ્ધ ટ્વિટ કર્યુ ત્યારે હું સોનો લાડલો હતો અને હવે જ્યારે હું પોતાના સ્ટુડન્ટ્સ વિશે વાત કરી રહ્યો છું તો હવે હું ખોટો છું, આવું કેમ.