નવી દિલ્હીઃ ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત સર્માએ પોતાની સમસ્યાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારતમાં જ્યારે પણ તમને કોઈ સમસ્યા હોય ત્યારે બધા તમને પોતાની સમસ્યા વિશે જણાવે છે. પરંતુ કોઈ સમાધાન નહીં જણાવે. હાલમાં ઈશાંત રણજી મેચમાં પોતાનો દમ બતાવી રહ્યા છે. આ દરમિયાન તેણે કહ્યું કે, મારી સમસ્યાનું સમધાન માત્ર જેસન ગિલેસ્પીએ કહ્યું હતું, જે હું લાંબા સમયથી શોધી રહ્યો હતો.


ઈશાંતે હૈદ્રાબાદ વિરૂદ્ધ રણજી મેચ બાદ ફિરોઝ શાહ કોટલા પર કહ્યું કે, ભારતમાં સમસ્યા એ છે કે દરેક પોતાની સમસ્યા વિશે જણાવશે પરંતુ કોઈ પણ તેનું સમાધાન નહીં જણાવે. ભારત માટે 96 ટેસ્ટ અને 292 વિકેટ મેળવનાર ઈશાંતે કહ્યું કે, ‘મેં અનુભવ્યું કે લગભગ એક કે બે લોકોએ જ સમાધાન આપ્યું. સમસ્યા વિશે બધા તમને જણાવશે પરંતુ જે સારો કોચ છે, તે તમને સમાધાન વિશે પણ જણાવશે.’



ધોની વિશે ઈશાંત શર્માએ કહ્યું કે, ધોનીના સમયમાં અમારી પાસે વધુ અનુભવ નહોતો. આ ઉપરાંત ફાસ્ટ બોલરોને ઓછી તક મળતી હતી, આ જ કારણ છે કે તે સમયે ફાસ્ટ બોલરોના ગ્રુપને વધુ સફળતા નહોતી મળી. ઈશાંતે એવો પણ દાવો કર્યો ખે, તે સમયે 6થી 7 બોલરોનું પૂલ બનાવેલું હતું અને સંવાદ પણ ઓછો થતો. જોકે, હવે માત્ર 3થી 4 બોલરોનું ગ્રુપ બનેલું છે અને તમામ એક બીજાને સારી રીતે સમજે છે.



ઈશાંત શર્માએ વિરાટ કોહલીની કેપ્ટન્સીના વખાણ કરતાં કહ્યું કે જ્યારથી તેણે ટીમની કમાન સંભાળી છે ત્યારે ફાસ્ટ બોલરોએ ઘણો અનુભવ મેળવી લીધો હતો જેના કારણે ઘણો ફરક પડ્યો. જ્યારે તમે વધુ રમો છો અને ડ્રેસિંગ રૂમમાં વધુ રહો છો અને ખાનગી ચર્ચાઓ થાય છે તો તમે સહજ અનુભવો છો. તેનાથી તમે મેદાન પર આનંદ ઉઠાવો છો જે એક અલગ જ પ્રકારનો અનુભવ છે.