નવી દિલ્હીઃ ભારતીય ટીમ શુક્રવારથી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમશે.જમૈકામા રમાનારી આ ટેસ્ટ મેચમાં ઝડપી બોલર ઇશાંત શર્મા પાસે એક રેકોર્ડ બનાવવાની તક છે. ઇશાંત પાસે એશિયાની બહાર સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં કપિલ દેવથી આગળ નીકળી જવાની તક છે.


એશિયા બહાર સૌથી વધુ વિકેટ લેવા મામલે ભારતીય બોલરોમાં ઇશાંત, કપિલ દેવ સાથે બીજા સ્થાન પર છે. બંન્ને ખેલાડીઓએ વિદેશી પીચો પર 45 ટેસ્ટ મેચમાં કુલ 155-155 વિકેટ લીધી છે. જો ઇશાંત શર્મા એક વિકેટ ઝડપી લેશે તો તે આ યાદીમાં કપિલ દેવથી આગળ નીકળી જશે. મહાન સ્પિનર અનિલ કુંબલે 50 મેચમાં 200 વિકેટ સાથે આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે.

ઇશાંતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 318 રને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મેચમાં તેણે આઠ વિકેટ ઝડપી હતી. ઇશાંતે અત્યાર સુધીમાં 91 ટેસ્ટ મેચમાં કુલ 275 વિકેટ ઝડપી છે.