જમૈકાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 416 રનમાં ઓલઆઉટ થઇ હતી. હનુમા વિહારીની શાનદાર સદી (111 રન) ને કારણે ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. વિહારીને ઇશાંત શર્માનો સારો સાથ મળ્યો હતો. ઇશાંતે 57 રનની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 112 રનની ભાગીદારી હતી. ઇશાંતે તેના કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. બીજા દિવસના અંતે વેસ્ટ ઇન્ડિઝની ટીમ સાત વિકેટના નુકસાન પર 87 રન કરી શકી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે હેટ્રિક ઝડપી હતી.


બુમરાહ વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ઇનિંગની પોતાની ચોથી  ઓવરમાં જ હેટ્રિક ઝડપી હતી. તેણે આ ઓવરમાં હેરેન બ્રાવો, શામરા બ્રુક્સ અને રોસ્ટન ચેઝને  આઉટ કર્યા હતા. બુમરાહે પ્રથમ ડેરેન બ્રાવોને સ્લિપમાં લોકેશ રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. બાદમાં બીજા બોલ પર શામરા બ્રુક્સને  એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો.  બુમરાહે હેટ્રિક બોલ યોર્કર ફેંક્યો હતો. બોલ રોસ્ટન ચેઝના પગ પણ વાગ્યો હતો. બુમરાહે અપીલ કરી હતી પરંતુ અપીલે તેને ફગાવી દીધી હતી. જોકે બાદમાં કેપ્ટન કોહલીએ ડીઆરએસ લેવાનો નિર્ણય લીધો હતો. ડીઆરએસમાં અમ્પાયરે પોતાનો નિર્ણય બદલ્યો હતો અને આ રીતે બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ત્રીજો ભારતીય બન્યો હતો. તે સિવાય વેસ્ટ ઇન્ડિઝમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બની ગયો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહ અગાઉ હરભજનસિંહ અને ઇરફાન પઠાણે ટીમ ઇન્ડિયા માટે હેટ્રિક ઝડપી છે. હરભજનસિંહે  વર્ષ 2001માં  કોલકતા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે  બીજી ઇનિંગમાં હેટ્રિક ઝડપી હતી. ભારતે ફોલોઓન રમવા છતાં આ ટેસ્ટ મેચ જીતી હતી. વીવીએસ લક્ષ્મણે આ જ મેચમાં 281 રનની યાદગાર ઇનિંગ રમી હતી. જ્યારે ઇરફાન પઠાણે વર્ષ 2006માં પાકિસ્તાન વિરુદ્ધ કરાંચી ટેસ્ટ મેચમાં પ્રથમ જ ઓવરમાં  હેટ્રિક ઝડપી હતી.