નવી દિલ્હીઃ ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધી અનેક રોમાંચક મેચ જોવા મળી જેમાં દર્શકોની સાથે ખેલાડીઓનો પણ શ્વાસ અદ્ધર થઈ ગયો હોય પરંતુ આ બધાની વચ્ચે આસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની ફાઈનલમાં સૌથી વધારે રોમાંચક મેચ જોવા મળી હતી. ફાઇનલ મેચ ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ બન્નેમાંથી કોઈ જીતી નથી પણ ટાઈ થઈ હતી. જોકે આઈસીસીના નિયમ પ્રમાણે બાઉન્ડ્રીના આધારે ટીમ ઇંગ્લેન્ડને વિશ્વ વિજેતા જાહેર કરવામાં આવી હતી.

વર્લ્ડ કપમાં હાર બાદ ન્યૂઝીલેન્ડમાં ભારે નિરાશા જોવા મળી હતી. હવે એવા સમાચાર મળ્યા છે કે સુપર ઓવરમાં ન્યૂઝલેન્ડના ઓલરાઉન્ડર જિમી નીશામે છગ્ગો માર્યા બાદ ઓકલેન્ડ ગ્રામર સ્કૂલના પૂર્વ શિક્ષક અને કોચ જેમ્સ ગાર્ડનનું મોત નિપજ્યું છે. સૂત્રો મુજબ ગાર્ડનની દીકરી લિયોનીએ કહ્યું કે જ્યારે સુપર ઓવરની બીજી બોલ પર નીશામે છગ્ગો ફટકાર્યો હતો ત્યારે જ તેના પિતાએ અંતિમ શ્વાસ લીધા. નીશામે પણ ગુરુવારે ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી છે.


નીશામે ટ્વીટ કરી લખ્યું કે, ‘ડેવ ગોર્ડન મારા હાઈ સ્કૂલના શિક્ષક, કોચ અને મિત્ર. રમત પ્રત્યે તમારો પ્રેમ ઉત્સાહિત કરે એવો હતો. ખાસ કરીને એ લોકો માટે જેમને તમારા માર્ગદર્શન હેઠળ રમવાનું સૌભાગ્ય મળ્યું. મેચ સમાપ્ત થયા સુધી તમે તમારા શ્વાસ રોકી રાખ્યા, આશા છે કે તમને ગર્વ થયો હશે. તમારો આભાર, ભગવાન તમારી આત્માને શાન્તિ આપે.’