નવી દિલ્હીઃ દક્ષિણ આફિકાનો પૂર્વ ક્રિકેટર અને પોતાના સમયના શાનદાર ફિલ્ડરોમાંથી એક જોન્ટી રોડ્સ ભારતીય ક્રિકેટ ટીમ માટે ફિલ્ડિંગ કોચ પદ માટે અરજી કરી છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના એક સીનિયર અધિકારીએ આઇએએનએસને કહ્યું કે રોડ્સે ફિલ્ડિંગ કોચ પદ માટે અરજી કરી છે.  અધિકારીએ કહ્યું કે રોડ્સે આ અગાઉ કોઇ પણ નેશનલ ટીમ સાથે કામ નથી કર્યું. પરંતુ તે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ સાથે છેલ્લી નવ સીઝન સુધી કોચિંગ આપી રહ્યા છે.

અધિકારીએ કહ્યું કે, હા, રોડ્સે અરજી કરી છે અને એ સત્ય પણ છે કે તે આ અગાઉ કોઇ પણ ઇન્ટરનેશનલ ટીમને કોચિંગ આપ્યું નથી પરંતુ તે નવ સીઝનથી આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ કોચ રહી ચૂક્યા છે. કોચ બનવાના નિયમો અનુસાર જો તમે કોઇ ઇન્ટરનેશનલ ટીમ સાથે કામ નથી કર્યું તો આઇપીએલમાં તમને ઓછામાં ઓછી એક સીઝનનો કોચિંગનો અનુભવ હોવો જોઇએ.

અધિકારીએ કહ્યું કે, મુંબઇ ઇન્ડિયન્સ સાથે તેમનો  કામ કરવાનો અર્થ છે કે તે ભારતીય ખેલાડીઓના કામકાજને સમજે છે. હાલના સમયમાં આર.શ્રીધર ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ છે અને વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ તેમનો કોન્ટ્રાક્ટને 45 દિવસ સુધી વધારી દેવામાં આવ્યો છે.