નવી દિલ્હીઃ હાલમાં ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે, સાઉથ આફ્રિકન ટીમ સતત ત્રણ વનડે હારીને પૉઇન્ટ ટેબલમાં તળીયે બેસી છે, ત્યારે એક જૂથ મહાન ખેલાડી ડિવિલિયર્સની વાપસીને લઇને માંગ કરી રહ્યું છે. ડિવિલિયર્સની વર્લ્ડકપમાં વાપસી કરાવાય તે માટે સોશ્યલ મીડિયા પર સાઉથ આફ્રિકન ટીમને નિશાને લેવામાં આવી રહી છે. જ્યારે આફ્રિકન બોર્ડ વાપસીનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યું છે. હવે આ કડીમાં દિગ્ગજ ઓલરાઉન્ડર અને મહાન ફિલ્ડર જૉન્ટી રોડ્સે ખાસ ટ્વીટ કર્યુ છે.



જૉન્ટી રોડ્સે સોશ્યલ મીડિયામાં એક ફેન્સને જવાબ આપતા ટ્વીટ કરીને કહ્યું કે, એ બી ડિવિલિયર્સની વાપસી શક્ય નથી, તે સન્યાસ લઇ ચૂક્યો છે, સાઉથ આફ્રિકન ટીમે તેના ભરોસે ના રહેવું જોઇએ.

સતત હાર બાદ એક પ્રસંશકે ટ્વીટર પર જૉન્ટી રોડ્સને કહ્યું "તમારી ટીમ (સાઉથ આફ્રિકા)ને એબી ડિવિલિયર્સ અને ડેલ સ્ટેનની કમી નડી રહી છે."



જૉન્ટી રોડ્સે આનો જવાબ આપતા કહ્યું કે, "આખી ટીમ બે ખેલાડીઓ પર નિર્ભર નથી રહેતી, હવે કોઇ બીજો ડિવિલિયર્સ નથી, બેટ્સમેનો આવે છે અને જાય છે, ટૉપ ઓર્ડરમાં કેટલાય બેટ્સમેનોએ ખોટા શૉટ રમીને વિકેટ ગુમાવી છે."


તેમને કહ્યું કે, કેટલાય લોકો આવુ કરી રહ્યાં છે, આ કોઇ રૉકેટ સાયન્સ નથી, સાઉથ આફ્રિકાના પ્રસંશક હોવાના નાતે આપણે ધૈર્ય રાખવુ જોઇએ.

જોકે, ડિવિલિયર્સનું પણ માનવુ છે કે વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકન ટીમ સારી રમત રમશે અને આગળ જોરદાર વાપસી કરશે.