નવી દિલ્હીઃ કરતારપુર કોરિડોર બાદ પાકિસ્તાન સરકારે શારદાપીઠ કોરીડોરને મંજૂરી આપી દીધી છે. કાશ્મીરી પંડિતોની તરફથી ઘણાં લાંબા સમયથી આ કોરિડોર ખોલવાની માગ થઈ રહી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ પાક મીડિયાને ટાંકીને આ અહેવાલ આપ્યા છે. આ સ્થળ મુઝફ્ફરાબાદથી અંદાજે 160 કિમી દૂર એલઓસી પાસે નાનનકડા ગામમાં આવેલ છે. આ કાશ્મીરના કુપવાડાથી લગભગ 22 કિલોમીટર દૂર છે.



શ્રીનગરથી લગભગ 130 કિલોમીટર દૂર સ્થિત શારદા પીઠ દેવીની 18 શક્તિ પીઠમાંથી એક છે. હિંદુ માન્યતાઓ મુજબ અહીં દેવી સતીનો જમણો હાથ પડ્યો હતો. આ મંદિરને રૂષિ કશ્યપના નામે કશ્યપપુરના નામથી પણ ઓળખવામાં આવે છે. શારદા પીઠમાં દેવી સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. વૈદિક કાળમાં તેને શિક્ષાનું કેન્દ્ર પણ કહેવામાં આવતું હતું.



1947માં ભારત અને પાકિસ્તાનના અલગ થયા બાદ હિન્દુ શ્રદ્ધાળુઓને મંદિરના દર્શનમાં મુશ્કેલી પડવા લાગી હતી. 2007માં કાશ્મીરી અધ્યેતા અને ભારતીય સંસ્કૃતિ સંબંધ પરિષદના વિસ્તારીય નિર્દેશક પ્રોફેસર અયાજ રસૂલ નજ્કીએ આ મંદિરે ગયા હતા. ત્યારબાદથી જ ભારતીય શ્રદ્ધાળુઓમાં મંદિરના દર્શને જવાની માગ ઉઠવા લાગી હતી. કાશ્મીરી પંડિતોને મંદિરના દર્શનની પરવાનગી અપાવવા માટે બનાવાયેલી કમિટિ શારદા બચાવોએ પણ આ માટે ભારત સરકારની સાથે સાથે પાકિસ્તાનના વડાપ્રધાનને પણ પત્ર લખ્યો હતો. જેમા શ્રદ્ધાળુઓને મુઝફ્ફરાબાદના રસ્તે મંદિરના દર્શનની પરવાનગી અંગેની માંગણી કરવામાં આવી છે.