નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બૉલર કાગિસો રબાડા આઇપીએલની 12 સિઝનામાંથી આઉટ થઇ ગયો છે. રબાડાની ટીમ દિલ્હી કેપિટલ્સે આની સ્પષ્ટતા કરી છે. પર્પલ કેપ હાંસિલ કરનારા રબાડા પીઠદર્દની ફરિયાદના કારણે ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ ન હતો રમી શક્યો. કાગિસો રબાડા જલ્દી પોતાના દેશમાં પરત ફરશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ કાગિસો રબાડાને વર્લ્ડકપ પહેલા આરામની સલાહ આપી છે.



કાગિસો રબાડા દિલ્હી માટે આ સિઝનમાં 12 મેચોમાં કુલ 25 વિકેટ ઝડપી છે. તે અત્યાર સુધી આ સિઝનનો સૌથી સફળ બૉલર છે. તેના કારણે દિલ્હી એકદમ આરામથી પ્લેઓફ સુધી પહોંચી શકી છે.

23 વર્ષના રબાડાએ કહ્યું કે, 'ટૂર્નામેન્ટના આ સ્ટેજ પર દિલ્હીનો સાથ છોડવો ખુબ દુઃખદાયક છે, પણ વર્લ્ડકપ એકદમ નજીક છે, એટલે સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે મારે આઇપીએલ વચ્ચેથી જ છોડીને સ્વદેશ પરત ફરવું પડશે. મારા માટે આ સિઝન મેદાનની અંદર અને બહાર શાનદાર રહી. મને આશા છે કે મારી ટીમ આ વર્ષે આ ખિતાબ જીતશે.' 30 મેમાં સાઉથ આફ્રિકન ટીમ યજમાન ઇંગ્લેન્ડની ટીમ વિરુદ્ધ વર્લ્ડકપની ઉદઘાટન મેચ રમશે.