મંગળવારે સીઓએએ આ અંગે કપિલ દેવ, ગાયકવાડ અને રંગાસ્વામીને સૂચના આપી છે. ત્યારબાદ ત્રણેય આ નિર્ણય પર સહમત પણ થયા છે. આ પહેલા સચિન તેંડુલકરર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમિતિએ રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના કોચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. પૂર્વ મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામી ભારત માટે 16 ટેસ્ટ રમી ચૂકી છે. તો પૂર્વ ક્રિકટર અંશુમન ગાયકવાડ બે વખત ટીમ ઇન્ડિયાના કોચ રહી ચૂક્યા છે.
બીસીસીઆઇના જનરલ મેનેજર, ક્રિકેટ ઓપરેશન્સ સબા કરીમે કપિલ, ગાયકવાડ અને રંગાસ્વામી સાથે કોચિંગ સ્ટાફ માટે ક્રિકેટ સલાહકાર સમિતિમાં સામેલ થવાનો આગ્રહ કર્યો હતો. જેને બાદમાં બધાએ સ્વીકાર કર્યો. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એક વખત જ્યારે 30 જુલાઇ સુધી કોચિંગ સ્ટાફ માટે અરજી આવી જશે ત્યારબાદ ક્રિકેટ સલાહકાર સમિતિને આ અંગે સૂચિત કરવામાં આવશે. જો કે બીસીસીઆઇના નવા બંધારણ પ્રમાણે ક્રિકેટ સલાહકાર સમિતિ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલા સીઓએ માત્ર મુખ્ય કોચની પસંદગી કરી શકે છે. આ સિવાય બાકી સપોર્ટ સ્ટાફને બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી ચૂંટશે.