નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત કરવામાં આવેલી પ્રશાસકોની સમિતિએ શુક્રવારે કહ્યું કે, કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની સમિતિને ભારતીય ક્રિકેટ ટીમના આગામી કોચની પસંદગીની જવાબદારી સોંપવામાં આવી છે. આ ત્રણેય ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડની નવી ક્રિકેટ સલાહકાર સમિતિ બનાવશે જેમાં હિતોનો ટકરાવ થશે નહીં.


બેઠક બાદ સીઓએના વડા વિનોદ રાયે કહ્યું કે, આ ત્રણેયની સીએસી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કાયદાકીય રીતે કરાઇ છે પરંતુ હિતોનો ટકરાવ ના થાય તે અંગે અમારે જાણકારી રાખવી પડશે. કોચના નામની જાહેરાત ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ આગામી 13 કે 14 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. વિરાટ કોહલી નવા કોચની નિમણૂકમાં કોઇ યોગદાન આપશે નહી. નવો સપોર્ટ સ્ટાફ અંગે પસંદગીકર્તા નિર્ણય લેશે.

રાયે કહ્યું કે, વર્લ્ડકપ દરમિયાન પ્રદર્શનને લઇને સમીક્ષા બેઠક થઇ નથી કારણ કેટીમ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે રવાના થઇ ગઇ છે પરંતુ મેનેજર સુનીલ સુબ્રહ્મણ્યમની રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફની અરજી માટેની અંતિમ તારીખ 30 જૂન છે. સીઓએ ટૂંક સમયમાં એમિક્સ ક્યૂરીને મળશે જેમની સાથે તેઓ આ વાત પર ચર્ચા કરશે કે શું સૌરવ ગાંગુલી. લક્ષ્મણ પદ પર બેઠેલા કોમેન્ટેટરની ભૂમિકા નિભાવી શકે છે કે નહીં.

નોંધનીય છે કે વર્લ્ડકપ બાદ હાલના કોચિંગ સ્ટાફનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો હતો પરંતુ તેમના કાર્યકાળને 45 દિવસ સુધી વધારવામાં આવ્યો છે. એક રિપોર્ટ્સ અનુસાર, શાસ્ત્રીની સાથે સાથએ ગેરી કર્સ્ટન, મહેલા જયવર્ધને, ટોમ મૂડી અને વિરેન્દ્ર સહેવાગ મુખ્ય કોચની રેસમાં સામેલ છે.