નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ખેલાડી હાલમાં અંદાજે 50 દિવસથી ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. ન્યૂઝીલેન્ડથી આવ્યા બાદ ભારતીય ક્રિકેટર્સને 29 માર્ચથી 56 દિવસ સુધી ચાલનારા આઈપીએલની 13મી સીઝનમાં ભાગ લેવાનો ચે. ટીમ ઇન્ડિયા વ્યસ્ત શેડ્યૂઅલને જોતા વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન રહેલ કપિલ દેવે ભારતીય ખેલાડીઓને આઈપીએલમાં ન રમવાની સલાહ આપી છે.


પાછલા વર્ષે આઈપીએલ બાદથી જ ટીમ ઇન્ડિયાના ખેલાડી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ખૂબ જ વ્યસ્ત રહ્યા છે. તેને જોતા કપિલ દેવે કહ્યું, “જો તમને લાગતું હોય કે થાકી ગયા છો તો ન રમો આઈપીએલમાં. તમે આઈપીએલમાં તમારા દેશનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા. માટે જો તમને લાગે છે કે તમે થાકી ગયા છો તો આઈપીએલ દરમિયાન હંમેશા બ્રેક લઈ શકો છો. જ્યારે તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હો ત્યારે અલગ ભાવના હોવી જોઈએ.”



તેમણે કહ્યું કે, જ્યારે ખેલાડી પોતાના દેશ માટે રમે છે ત્યારે તેને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જરૂરત હોય છે. કપિલ દેવે કહ્યું કે, દેશ માટે રમવા માટે કોઈપણ સમજૂતી ન થવી જોઈએ કારણ કે ખેલાડી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવામાં વધારે ઉર્જા લગાવે છે.

16 વર્ષની પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમનાર પૂર્વ કેપ્ટને કહ્યું કે, જ્યારે તે રમતા હતા ત્યારે તેમને થાક લાગતો હતો. કપિલે કહ્યું, “ઘણી વખત. હાં, જ્યારે તમે એક સીરીઝમાં રમી રહ્યા છો અને તે સમયે થાક અનુભવતા હોય છે જ્યારે રન ન બનાવતા હોય કે વિકેટ ન મળતી હોય. પરંતુ જ્યારે તમે આવું કરો છો તો થાક નથી લાગતો. તમે વિકેટ લેતા રહો છે અને એક દિવસમાં 20-30 ઓવર બોલિંગ કરો છો.”

નોંધનીય છે કે, પાછલા વર્ષે આઈપીએ બાદ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં વનડે વર્લ્ડ કપ રમી. વર્લ્ડ કપ  બાદ ઇન્ડિયન ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર ગઈ. ત્યાર બાદ ઇન્ડિયાએ ઘરમાં દક્ષિણ આફ્રીકા અને બાંગ્લાદેશની વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ રમી. ત્યાર બાદ વિન્ડિઝ અને શ્રીલંકા વિરૂદ્ધ ટ્વેન્ટી ટ્વેન્ટી સીરીઝ થઈ. બાદમાં ઇન્ડિઆએ પહેલા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરમાં વનડે સીરીઝ રમી અને ત્યાર બાદ અંદાજે 40 દિવસથી ઇન્ડિયન ખેલાડી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે.