પાકિસ્તાન સુપર લીગ શરૂ થયાને હાલ બે જ દિવસ થયા છે અને લીગમાં વિવાદ શરૂ થઈ ગયો છે. પહેલી વખત આ લીગની આ સીઝન પાકિસ્તાનમાં રમવામાં આવી રહી છે. જેને લઈને ચાહકો પણ બહુ જ ઉત્સાહિત છે. પરંતુ તેનાથી વિવાદ પણ જોડાઈ ગયો છે. જોકે પેશાવર જાલ્મી અને કરાચી કિંગ્સની વચ્ચે રમવામાં આવેલી મેચમાં ખેલાડીઓ ડગઆઉટમાં ટીમથી જોડાયેલા મોબાઈલ ફોન પર વાત કરતા નજરે પડ્યો હતો જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.


આઈસીસી નિયમ અનુસાર ડ્રેસિંગ રૂમ અને ડગ આઉટમાં ખેલાડીઓના મોબાઈલ ફોન ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. વાતચીત માટે ટીમ મેનેજમેન્ટ પણ માત્ર વોકી ટોકીનો ઉપયોગ કરી શકે છે. પાકિસ્તાનના દિગ્ગજ બોલર શોએબ અખ્તરે ડગઆઉટમાં ફોન ઉપયોગ કરવાની એક તસવીર શેર કરી હતી અને તેણે કહ્યું હતું કે, આ ખોટું છે. જોકે, આ મુદ્દે હાલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ કરાચી કિંગ્સના કોચ ડીન જોંસે આ મુદ્દા પર સ્પષ્ટતા આપી છે.

મેચની 13મી ઓવરમાં કેમેરાએ કોઈએ ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં પકડી લીધો હતો. જોકે એવું લાગી રહ્યું છે કે, કોઈ ખેલાડીએ ટીમ મેનેજમેન્ટમાંથી કોઈ ફોન પર વાત કરી રહ્યા છે. ટીમના કોચે સ્પષ્ટ કર્યું છે કે, ફોન પર વાત કરનાર ટીમના સીઈઓ તારિક છે.

તેણે કહ્યું હતું કે, સીઈઓ માત્ર તેમનું કામ કરી રહ્યા હતા અને ટીમના અભ્યાસ સત્રની વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યા હતા. જોકે, હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી કે ફોન પર વાત કરનાર વ્યક્તિ ટીમના સીઈઓ હતા. જોંસે કહ્યું હતું કે, ટી20 ક્રિકેટમાં સીઈઓ અને મેનેજરને મોબાઇલ ફોનના ઉપયોગની મંજૂરી હોય છે.