Boxer Succumbs To Punch: કર્ણાટકમાં રમાઈ રહેલી બોક્સિંગની સ્પર્ધામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં બોક્સિંગ રિંગમાં રમી રહેલો એક ખેલાડી ગંભીર રીતે ઘાયલ થયો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બોક્સિંગ રિંગમાં ગંભીર ઈજાને કારણે કિકબોક્સરને બેંગલોરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ દાખલ કરાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની માહિતી ગુરુવારે મળી હતી. મૃતક કિકબોક્સરની ઓળખ મૈસૂરના 23 વર્ષીય નિખિલ તરીકે થઈ હતી.
મૃતક બોક્સરના માતા-પિતાની ફરિયાદ બાદ પોલીસે આ બોક્સિંગ ચેમ્પિયનશિપના આયોજક વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે બેંગલુરુના ઝાના જ્યોતિ નગર વિસ્તારમાં પાઈ ઈન્ટરનેશનલ બિલ્ડિંગમાં K1 સ્ટેટ લેવલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ દરમિયાન બની હતી. મૈસૂરનો 23 વર્ષિય બોક્સિંગ ખેલાડી નિખિલ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો હતો.
નિખિલના પ્રતિસ્પર્ધીએ માર્યો જોરદાર મુક્કોઃ
આ દરમિયાન બોક્સિંગ રિંગમાં નિખિલ તેના પ્રતિસ્પર્ધીનો જોરદાર સામનો કરી રહ્યો હતો. જોકે, પ્રેક્ષકોની ઉત્તેજના વચ્ચે બોક્સિંગ રિંગમાં નિખિલના પ્રતિસ્પર્ધી તરફથી જોરદાર મુક્કો મારવામાં આવ્યો હતો પછી નિખિલ નીચે પડી ગયો હતો. પોલીસનું કહેવું છે કે, નિખિલને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતાં જ્યાં તેની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન ગઈકાલે બુધવારે નિખિલનું મોત નીપજ્યું હતું. પરિવાર દ્વારા તે જ દિવસે મૈસુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નિખિલના માતા-પિતાએ બેંગલુરુના જ્ઞાનભારતી પોલીસ સ્ટેશનમાં ઈવેન્ટના આયોજકો વિરુદ્ધ બેદરકારીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે, ચેમ્પિયનશિપ દરમિયાન સ્થળ પર ડોકટરો અને એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા નહોતી. પોલીસે જણાવ્યું કે, આરોપી આયોજક નવીન રવિશંકર ફરાર છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.