નવી દિલ્હી: ક્રિકેટના મેદાન પર હંમેશા મનોરંજન થાય છે. ત્યારે ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જે દર્શકોને દુખી કરી નાખે છે. એવી જ એક ઘટના જમ્મુ-કાશ્મીરમાં બની હતી. દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં એક મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે 18 વર્ષનાં ક્રિકેટર જહાંગીર અહમદનાં ગળા પર બૉલ વાગતા તેનું મોત થયું છે. જહાંગીર બારામૂલા જિલ્લા સ્થિત પટ્ટનનો રહેવાસી હતો અને તે બારામૂલાની તરફથી બુદગામની વિરુદ્ધ અંડર-19ની મેચ રમી રહ્યો હતો.


અધિકારીઓ જણાવ્યું કે જહાંગીરે સેફ્ટી માટેની જરૂરી વસ્તુઓ પહેરી હતી, તેમ છતાં તેને ગરદન પર બોલ વાગતા જ તે બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.


એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે, જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યમલિકે ક્રિકેટરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતક ક્રિકેટરના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી. પોતાના શોક સંદેશમાં મલિકે મૃતકના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે જહાંગીર 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો અને ડાબોડી બેટ્મેન હતો. બેટિંગ દરમિયાન તેણે બૉલને પુલ શૉટ રમવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ચુકી ગયો અને આ અકસ્માત થયો. યુવા સેવા અને રમતનાં મહાનિર્દેશક સલીમ ઉર રહમાને કહ્યું કે, “બૉલ ઠીક એ રીતે જ વાગ્યો જે રીતે ઑસ્ટ્રેલિયાનાં ફિલિપ હ્યૂઝને લાગ્યો હતો.” ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બર 2014નાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં એબૉટનાં બૉલ પર હ્યૂઝ ઇજાગ્રસ્ત થયો હતો અને બે દિવસ બાદ તેનું મોત થયું હતુ.