નવી દિલ્હીઃ વિવાદોથી દૂર રહેનારા ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનાં દિવસો અત્યારે ખરાબ ચાલી રહ્યા છે. વિશ્વ કપ દરમિયાન ધોનીએ પોતાની ધીમી બેટિંગનાં કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તો હવે ધોની આમ્રપાલી ગ્રુપનાં કારણે વિવાદોમાં છે. કન્ફેડરેશનલ ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) અને આમ્રપાલીનાં ફ્લેટ ખરીદદારોની સંસ્થા નેફોવાએ કેન્દ્ર સરકારનાં મંત્રીઓને પત્ર લખીને ધોનીની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.



કેટએ કન્ઝ્યુમર અફેર્સનાં કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનને ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ગ્રુપની જાહેરાતો પર ધોની વિરુદ્ધની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કેટને પાસવાનને લખ્યું હતું કે, ધોની વિરુદ્ધ એક પત્ર મોકલીને તેમની સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી, જેમાં તેમણે વિજ્ઞાપન દ્રારા લોકોને આમ્રપાલી પ્રોજેક્ટ્સમાં ફ્લેટ ખરીદવા પર પ્રભાવ પાડ્યો હતો.



કેટે સુપ્રીમ કૉર્ટ દ્વારા આમ્રપાલી ગ્રુપની સામે અલગ અલગ અનિયમિતતાઓ માટે સખ્ત કાર્યવાહી કરવાનાં આદેશને આધાર બનાવીને કહ્યું કે બિલ્ડર દોષી ઠેરવાયો છે, આ કારણે ધોનીની પણ જવાબદારી બને છે. કેટનાં રાષ્ટ્રિય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રિય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું છે કે ધોનીની જાહેરાતો લોકોને મહેનતની કમાણી સ્કિમમાં લગાવવા માટે પ્રોત્સાહન આપે છે, જે અત્યારે પણ અપૂર્ણ છે. કેટ નેતાઓએ કેન્દ્રિય મંત્રી પાસવાનથી સંસદનાં વર્તમાન સત્રમાં ગ્રાહક સુરક્ષા બિલ પસાર કરાવવાની માંગણી કરી છે.

બીજી તરફ આમ્રપાલીનાં ફ્લેટ ખરીદદારોની સંસ્થા નેફોવાએ પણ નાણા મંત્રી નિર્ણલા સીતારમણ અને શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીને પત્ર લખીને ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીની કંપનીઓની તપાસ કરાવવાની માંગણી કરી છે. નેફોવાએ પત્રમાં આમ્રપાલીને લઇને સુપ્રીમ કૉર્ટનાં આદેશમાં ફૉરેન્સિક ઑડિટનો ઉલ્લેખ કર્યો જેમાં આર્મપાલી ગ્રુપે ફ્લેટ ખરીદદારોનાં રૂપિયા ધોનીની કંપની સાથે કરાર કરીને ગેરરીતિથી ડાયવર્ટ કરવાનો ઉલ્લેખ છે. આ મામલાની તપાસ હવે ઈડી કરવા જઇ રહી છે.